RR vs KKR: IPL 2024 ની 70મી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે તે રદ કરવામાં આવી છે. મેચમાં ટોસ થયો, જેમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે જીત મેળવી અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બંને ટીમો વચ્ચે 7-7 ઓવરની મેચ ફિક્સ કરવામાં આવી હતી. ટીમો રમવા માટે મેદાનમાં આવે તે પહેલા ફરી વરસાદ શરૂ થયો હતો. મેચ અધિકારીઓએ લીગ તબક્કાની છેલ્લી મેચ ફરી શરૂ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સતત વરસાદને કારણે આખરે મેચ રદ્દ જાહેર કરવામાં આવી છે. આ સાથે IPL 2024નો લીગ સ્ટેજ સમાપ્ત થઈ ગયો છે. મેચ રદ્દ થવાને કારણે સૌથી વધુ નુકસાન RRને થયું છે.
રાજસ્થાન રોયલ્સને નુકસાન થયું
જો આપણે IPL 2024ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો KKR સાથેની મેચ રદ્દ થવાને કારણે RRને ઘણું નુકસાન થયું છે. રવિવારે જ સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવીને 17 પોઈન્ટ હાંસલ કર્યા હતા. આવી સ્થિતિમાં, જો રાજસ્થાન રોયલ્સે ટેબલના ટોપ-2માં સ્થાન મેળવવું હોત, તો તેણે KKR સામે કોઈપણ કિંમતે જીત મેળવવી પડે તેમ હતી. કોલકાતા સામેની જીતથી RR ને 18 પોઈન્ટ મળ્યા હોત અને તેમની ટીમ સીધી ક્વોલિફાયર 1 માં પહોંચી ગઈ હોત. પરંતુ મેચ રદ્દ થવાને કારણે હવે રાજસ્થાનના પણ 17 પોઈન્ટ છે, પરંતુ તેનો નેટ રન-રેટ SRH કરતા ઓછો છે. તમને જણાવી દઈએ કે ટેબલમાં ટોપ-2માં સ્થાન મેળવનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની 2 તકો મળે છે.
પ્લેઓફનું સમીકરણ કંઈક આવુ હશે
હવે ક્વોલિફાયર-1માં કોલકાતાનો મુકાબલો હૈદરાબાદની ટીમ સાથે થશે. વિજેતા ટીમ ફાઈનલ રમશે. જ્યારે હારનાર ટીમને બીજી તક મળશે અને તે ક્વોલિફાયર-2 રમશે. જ્યારે રાજસ્થાનની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે એલિમિનેટર મેચ રમવાની છે. જે ટીમ આ મેચ જીતશે તે ક્વોલિફાયર-2 રમશે. તે પછી તેમન ફાઇનલમાં પ્રવેશ મળશે.
કેકેઆર ટેબલ ટોપર છે
રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા જ નક્કી થઈ ગયું હતું કે આ મેચ જીતવા કે હારવાથી પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની સ્થિતિ પર કોઈ અસર નહીં પડે. હવે KKR પાસે 20 પોઈન્ટ છે અને શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં આ ટીમ ટેબલમાં ટોચ પર છે. કોલકાતાએ લીગ તબક્કામાં 14 મેચમાં 9 જીત નોંધાવી હતી અને તેની 2 મેચ રદ કરવામાં આવી હતી.