MCC New Cricket Laws: ક્રિકેટની રમતના નિયમો બનાવતી વિશ્વની સર્વોચ્ચ સંસ્થા 'મેરીલેબોન ક્રિકેટ ક્લબ' (MCC) એ રમતને વધુ આધુનિક, રોમાંચક અને પ્રેક્ષકો માટે આકર્ષક બનાવવા માટે 2026 ના નવા કાયદાઓની જાહેરાત કરી છે. આ નવા ફેરફારોમાં સૌથી વધુ ચર્ચા ટેસ્ટ ક્રિકેટના એક પરંપરાગત નિયમમાં કરવામાં આવેલા સુધારાની થઈ રહી છે. MCC એ વર્ષો જૂની પ્રણાલીને બદલી નાખી છે, જેના કારણે હવે ટેસ્ટ મેચના દિવસના અંતિમ મિનિટોમાં મેદાન પર ભારે ડ્રામા અને ઉત્તેજના જોવા મળશે. આ નિર્ણયથી રમતની ગતિશીલતામાં મોટો ફેરફાર આવવાની શક્યતા છે.

અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં એવો નિયમ હતો કે જો દિવસની નિર્ધારિત છેલ્લી ઓવર રમાતી હોય અને તે દરમિયાન કોઈ બેટ્સમેન આઉટ થાય, તો અમ્પાયર તે જ ક્ષણે સ્ટમ્પ્સ જાહેર કરી દેતા હતા અને તે દિવસની રમત પૂર્ણ ગણવામાં આવતી હતી. આ સ્થિતિમાં બેટિંગ કરનાર ટીમને ફાયદો થતો હતો કારણ કે તેમણે નવા બેટ્સમેનને તે દિવસે મેદાનમાં ઉતારવો પડતો નહોતો અને તેઓ શાંતિથી બીજા દિવસે નવી રણનીતિ સાથે રમત શરૂ કરી શકતા હતા. જોકે, આ નિયમ ઘણીવાર બોલિંગ કરનાર ટીમની લય તોડી નાખતો હતો.

MCC ના નવા કાયદા 12.5.2 મુજબ હવે આ સ્થિતિ બદલાઈ જશે. નવા નિયમ પ્રમાણે, જો દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડશે, તો પણ રમત ત્યાં અટકાવવામાં આવશે નહીં. બોલિંગ કરનાર ટીમે તે ઓવરના બાકી રહેલા તમામ બોલ પૂરા કરવા જ પડશે. આનો અર્થ એ થયો કે જેવી વિકેટ પડશે, તરત જ નવા બેટ્સમેને મેદાનમાં આવવું પડશે અને દિવસના બાકી રહેલા બોલનો સામનો કરવો પડશે. આ ફેરફારથી રમતનો રોમાંચ અંતિમ ક્ષણ સુધી જળવાઈ રહેશે.

Continues below advertisement
Continues below advertisement

આ નવા નિયમની સૌથી મોટી અસર ફિલ્ડિંગ કરનાર ટીમ પર થશે, કારણ કે તેમને હવે વધારાનો ફાયદો મળશે. વિકેટ લીધા બાદ બોલિંગ ટીમ નવા આવેલા બેટ્સમેન પર માનસિક દબાણ બનાવી શકશે. બીજી તરફ, નવા બેટ્સમેન માટે દિવસની અંતિમ ક્ષણોમાં મેદાન પર જઈને વિકેટ બચાવવી એ એક મોટો સંઘર્ષ બની રહેશે. આ નિયમ ખાસ કરીને એવા સમયે નિર્ણાયક સાબિત થશે જ્યારે મેચ નિર્ણાયક વળાંક પર હોય અને દિવસ પૂરો થવામાં ગણતરીના બોલ બાકી હોય.

માત્ર ટેસ્ટ ક્રિકેટ જ નહીં, પરંતુ મહિલા ક્રિકેટને પણ વધુ આધુનિક બનાવવા માટે MCC એ મહત્વના નિર્ણયો લીધા છે. મહિલા ક્રિકેટમાં વપરાતા બોલના સ્પેસિફિકેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા બોલનું વજન 140 થી 151 ગ્રામ વચ્ચે રહેતું હતું, જેને હવે બદલીને 140 થી 149 ગ્રામ કરવામાં આવ્યું છે. તે જ રીતે બોલનો ઘેરાવો પણ 21.5 થી 22 સેમી નક્કી કરવામાં આવ્યો છે. આ ફેરફાર પાછળનો હેતુ મહિલા ખેલાડીઓને બોલિંગમાં વધુ સારી પકડ અને નિયંત્રણ આપવાનો છે.

જુનિયર ક્રિકેટ એટલે કે અંડર-13 કેટેગરીમાં પણ બોલના માપદંડોમાં સુધારો કરવામાં આવ્યો છે. નાના બાળકો માટે બોલનું વજન અગાઉ 133-144 ગ્રામ હતું, જે હવે વધારીને 140-144 ગ્રામ કરવામાં આવ્યું છે, જ્યારે બોલના માપમાં થોડો ઘટાડો કરીને તેને 20.5 થી 21 સેમીની વચ્ચે રાખવામાં આવ્યું છે. આ ફેરફારો પાયાના સ્તરે ખેલાડીઓની તકનીકી ક્ષમતા વધારવા માટે કરવામાં આવ્યા છે. આમ, 2026 થી ક્રિકેટના મેદાન પર નવા નિયમો સાથે રમતનું એક નવું સ્વરૂપ જોવા મળશે.