Michael Vaughan Bondi Beach: સિડનીના વિશ્વપ્રસિદ્ધ બોન્ડી બીચ પર 14 ડિસેમ્બરે થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. બે બંદૂકધારીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 12 લોકોના કરૂણ મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ગોળીબાર દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર માઈકલ વોન પણ ત્યાં જ હતા અને એક રેસ્ટોરન્ટમાં ફસાઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી જણાવતા કહ્યું કે તે ક્ષણો અત્યંત ડરામણી હતી. સદનસીબે તેઓ સુરક્ષિત છે, પરંતુ આ ઘટનાએ એશિઝ સિરીઝના રોમાંચ પર ભયનો ઓછાયો પાડી દીધો છે.
રવિવારની સાંજે જ્યારે લોકો બોન્ડી બીચ પર રજાની મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક સાંજે 6:40 વાગ્યે મોતનું તાંડવ શરૂ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, એક કારમાંથી ઉતરેલા બે શખ્સોએ ભીડ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોતજોતામાં આનંદનો માહોલ ચીસાચીસમાં ફેરવાઈ ગયો હતો. આ ઘાતક હુમલામાં અત્યાર સુધીમાં 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.
આ હુમલા સમયે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર માઈકલ વોન ઘટનાસ્થળની નજીક જ આવેલી એક રેસ્ટોરન્ટમાં હતા. હાલમાં તેઓ 2025-26 ની એશિઝ શ્રેણી માટે કોમેન્ટ્રી ટીમનો ભાગ બનીને ઓસ્ટ્રેલિયા આવેલા છે. અચાનક ગોળીબાર થતા તેઓ રેસ્ટોરન્ટમાં જ ફસાઈ ગયા હતા. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોવાથી તેમણે ભયના ઓથાર વચ્ચે સમય પસાર કરવો પડ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "બોન્ડીની રેસ્ટોરન્ટમાં ફસાઈ જવાનો અનુભવ ભયાનક હતો. હું હવે ઘરે સુરક્ષિત પહોંચી ગયો છું, પરંતુ જેમણે આતંકીઓનો સામનો કર્યો અને સુરક્ષા દળોનો હું આભાર માનું છું."
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને તેને સ્પષ્ટપણે 'આતંકવાદથી પ્રેરિત' કૃત્ય ગણાવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે કાર્યવાહી દરમિયાન એક આતંકીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે, જ્યારે બીજાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા શંકાસ્પદ આતંકવાદીની ઓળખ નવીદ અકરમ તરીકે થઈ છે, જેની હાલ કડક પૂછપરછ ચાલી રહી છે.
આ ડરના માહોલ વચ્ચે પણ માનવતા અને બહાદુરીનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. જ્યારે આતંકીઓ ગોળીબાર કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર એક સામાન્ય નાગરિકે અદભૂત હિંમત દાખવી હતી. તેણે જીવના જોખમે એક હુમલાખોર પર તરાપ મારીને તેની પાસેથી બંદૂક છીનવી લીધી હતી અને તેને નીચે પાડી દીધો હતો. માઈકલ વોને પણ પોતાની પોસ્ટમાં આવા બહાદુર લોકો અને ઈમરજન્સી સર્વિસનો વિશેષ આભાર માન્યો હતો, જેમણે અનેક લોકોના જીવ બચાવ્યા હતા.
ક્રિકેટની વાત કરીએ તો, આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝ રમાઈ રહી છે. અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ મેચોમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પ્રભુત્વ જમાવ્યું છે. પર્થ અને ગાબા ટેસ્ટમાં 8-8 વિકેટે જીત મેળવીને કાંગારૂ ટીમ શ્રેણીમાં 2-0 થી આગળ છે. જોકે, આ આતંકી હુમલાને કારણે હવે ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
ત્રીજી ટેસ્ટ મેચ 17 ડિસેમ્બર થી એડિલેડમાં શરૂ થવાની છે. સિડનીની ઘટના બાદ હવે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવશે તે નક્કી છે. માઈકલ વોન જેવા દિગ્ગજ ક્રિકેટર આ હુમલાના સાક્ષી બન્યા બાદ ક્રિકેટ જગતમાં પણ સોપો પડી ગયો છે. હાલમાં વોન સુરક્ષિત છે અને તેમણે પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. પોલીસ અને તપાસ એજન્સીઓ આ હુમલા પાછળના મુખ્ય ષડયંત્રને ઉઘાડું પાડવા કામે લાગી છે.