Michael Vaughan Prediction Team India Coach: ક્રિકેટ જગતમાં એવું રોજ-રોજ નથી બનતું કે જે કેપ્ટનની આગેવાની હેઠળ ટીમે ટી20 વર્લ્ડ કપ જીત્યો હોય, તેને થોડા જ મહિનાઓ પછી ટીમમાંથી બહાર કરી દેવામાં આવે. હાલમાં જ ભારતીય ક્રિકેટમાં આવું જોવા મળ્યું છે, કારણ કે સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ અય્યરને નવા ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ મોટા ફેરફાર પર ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર માઈકલ વોને પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી, પરંતુ જ્યારે તેને શ્રેયસ નવા ટી20 કેપ્ટન બન્યા હોવાની માહિતી મળી ત્યારે તેને લાગ્યું કે રિકી પોન્ટિંગ ભારતીય ટીમના નવા કોચ બનવા જઈ રહ્યા છે.
અજિંક્ય રહાણેની યુટ્યુબ ચેનલ પર માઈકલ વોને જણાવ્યું કે, "જ્યારે મેં આ સમાચાર સાંભળ્યા ત્યારે મને લાગ્યું કે રિકી પોન્ટિંગ ટીમ ઈન્ડિયાના કોચ હશે, કારણ કે તે બંનેની જોડી ગજબની છે. શ્રેયસ એક ખૂબ જ સારો કેપ્ટન અને શાનદાર ખેલાડી છે. આ બાબત દર્શાવે છે કે ભારતીય ક્રિકેટમાં, ખાસ કરીને ટી20 ક્રિકેટમાં કેટલી મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ છે. આવું કદાચ જ દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા મળે જ્યાં તાજેતરમાં જ ટી20 વર્લ્ડ કપ ટ્રોફી જીતાડી લાવનાર કેપ્ટનને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવે."
આ પણ વાંચો...MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
અય્યર અને પોન્ટિંગનું ગજબનું ટ્યુનિંગ
શ્રેયસ અય્યર અને રિકી પોન્ટિંગની જોડી અગાઉ પણ શાનદાર પ્રદર્શન કરી ચૂકી છે. વર્ષ 2020 માં જ્યારે અય્યર દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો ત્યારે રિકી પોન્ટિંગ ટીમનો કોચ હતો અને તે સીઝનમાં દિલ્હીની ટીમ IPL ના ફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ વર્ષ 2025 ની સીઝનમાં રિકી પોન્ટિંગ અને શ્રેયસ અય્યરની જોડી ફરી એકવાર સાથે આવી, પરંતુ આ વખતે બંને પંજાબ કિંગ્સની ટીમનો હિસ્સો હતા. 2025 માં પંજાબની ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી અને 2026 ની વર્તમાન સીઝનમાં પણ પંજાબની ટીમ પ્લેઓફ સુધી પહોંચી છે.
કેપ્ટન અય્યરની ખરાબ શરૂઆત
જો કે, ભારતીય ટીમના નિયમિત કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની સફરની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ગયા શુક્રવારે અય્યરની કેપ્ટનશીપ હેઠળ ભારતને આયર્લેન્ડ સામેની પહેલી ટી20 મેચમાં 34 રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી એવી તક હતી જ્યારે આયર્લેન્ડની ટીમે ટીમ ઈન્ડિયા સામે મેચ જીતી હોય.
