PAK vs ENG: અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચ રદ,ટીમ સાથે ફસાયો IPL સ્ટાર; વડા પ્રધાન પાસે માંગી મદદ
PAK vs ENG: અમેરિકા-ઈઝરાયલ વિરુદ્ધ ઈરાન સંઘર્ષ વચ્ચે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચ રદ. આ દરમિયાન આઈપીએલ રમી ચુકેલા એક ખેલાડીએ વડા પ્રધાનને અપીલ કરી.

PAK vs ENG: અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઠેર-ઠેર લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે સામે આવેલા અહેવાલો મુજબ, આ યુદ્ધને કારણે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની એક ક્રિકેટ મેચ રદ કરવી પડી છે. આ સિવાય આઈપીએલ (IPL) રમી ચૂકેલા એક દિગ્ગજ ખેલાડીએ વડાપ્રધાન પાસે પોતાને સુરક્ષિત ઘરે પરત લાવવા માટે મદદ માંગી છે. મિડલ ઈસ્ટમાં વાતાવરણ ખૂબ જ તણાવપૂર્ણ બની ગયું છે, જેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન શાહીન્સ અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે રમાનારી 50 ઓવરની બીજી મેચ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એક રિલીઝ જાહેર કરીને આ અપડેટ શેર કર્યું છે.
My statement on Iran. pic.twitter.com/Ki4VVTYO4N
— Keir Starmer (@Keir_Starmer) February 28, 2026
અબુ ધાબીમાં યોજાવાની હતી મેચ
આ મુકાબલો અબુ ધાબીના ઓવલ સ્ટેડિયમમાં રમાવાનો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અબુ ધાબીમાં બગડતી પરિસ્થિતિને જોતા ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પ્રેક્ટિસ સેશન પણ યોજવામાં આવશે નહીં અને ટીમોને ઈન્ડોર (હોટલની અંદર) રહેવાની સલાહ આપવામાં આવી છે. રિલીઝમાં આગળ લખવામાં આવ્યું છે કે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. PCB ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ સાથે સતત સંપર્કમાં છે. મિડલ ઈસ્ટનું એરસ્પેસ ફરી ખુલતાની સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે કે શાહીન ટીમને પાકિસ્તાન પરત લાવવી કે શ્રેણી ચાલુ રાખવી.
જોની બેરસ્ટોએ માંગી મદદ
IPL માં રમી ચૂકેલા ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જોની બેરસ્ટો પણ અબુ ધાબીમાં ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ સાથે કોચિંગ અને મેન્ટરની ભૂમિકામાં હતા. બેરસ્ટોએ યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર પાસે મદદની ગુહાર લગાવી છે. વાસ્તવમાં આ ઈંગ્લિશ ખેલાડીએ કીર સ્ટારમરના સોશિયલ મીડિયા વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, "શું તમે અમને ઘરે પહોંચાડી શકો છો?" જોતજોતામાં બેરસ્ટોનું આ રિએક્શન વાયરલ થઈ ગયું છે. યુદ્ધની સ્થિતિને કારણે એરસ્પેસ બંધ થવાથી ખેલાડીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે..




















