પિંક બોલ ટેસ્ટની શરૂઆત ભારત માટે કંઈ ખાસ ન હતી. જો કે રોહિત શર્મા અને શુભમન ગિલની વાપસી થઈ છે અને રવિચંદ્રન અશ્વિનને પણ પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી છે, તો પણ ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં મોટો સ્કોર બનાવવામાં સફળ રહી ન હતી. મોટી વાત એ હતી કે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે આજે ઘાતક બોલિંગ કરીને ભારતના લગભગ તમામ બેટ્સમેનોને પરેશાન કરી દીધા હતા. તેણે ભારતીય ટીમના 6 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારત સામે આ તેની પ્રથમ 5 વિકેટ છે. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે અને પોતાનો જ લગભગ 8 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે.


મેચના પહેલા જ બોલ પર મિચેલ સ્ટાર્કે યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો


મિચેલ સ્ટાર્કે મેચના પહેલા જ બોલ પર ભારતને મોટો ઝટકો આપ્યો હતો, જ્યારે તેણે ઓપનર યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો. આ પછી કેએલ રાહુલ અને શુભમન ગિલે ટીમ ઈન્ડિયા માટે સારી બેટિંગ કરી હતી, પરંતુ તેઓ પણ મોટી ભાગીદારી બનાવવામાં સફળ રહ્યા ન હતા. મિચેલ સ્ટાર્ક આવ્યો અને ટીમ ઈન્ડિયાની બેટિંગને પાટા પરથી ઉતારી દિધી.  પરિણામ એ આવ્યું કે ટીમ ઈન્ડિયા પહેલા બે સેશનમાં જ આઉટ થઈ ગઈ અને માત્ર 180 રન બનાવી શકી. જો કે આ સીરીઝની પ્રથમ મેચમાં ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા, તો પણ તેણે મેચ જીતી લીધી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે જો તમે સતત આટલા સ્કોર બનાવતા હોય અને જીતવા વિશે વિચારો તો કદાચ તે યોગ્ય નહીં હોય.


મિચેલ સ્ટાર્કે તેની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું 


આ દરમિયાન મિચેલ સ્ટાર્કે ભારત સામેની ટેસ્ટમાં પ્રથમ વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. હવે 48 રનમાં 6 વિકેટ લેવી તેના ટેસ્ટ જીવનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બની ગયું છે. આ પહેલા વર્ષ 2016માં તેણે શ્રીલંકા સામે ગાલેમાં 50 રનમાં 6 વિકેટ ઝડપી હતી. હવે આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. જો કે તેણે 15 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે, પરંતુ આ મેચ તેના માટે કદાચ અલગ હશે, કારણ કે તે ભારતીય ટીમ સામે આવ્યો છે, જે તેની સામે મોટો અને મજબૂત પડકાર રજૂ કરે છે.


સ્ટાર્કે આ બેટ્સમેનોને આઉટ કર્યા હતા 


મેચના પહેલા જ બોલ પર યશસ્વી જયસ્વાલને આઉટ કર્યા બાદ મિચેલ સ્ટાર્કે 37 રન બનાવીને રમી રહેલા કેએલ રાહુલને પણ આઉટ કર્યો હતો. તેણે માત્ર સાત રન બનાવીને વિરાટ કોહલીને આઉટ કરીને ભારતીય ટીમને મોટો ઝટકો આપ્યો હતો. આ પછી નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન અને હર્ષિત રાણાને પણ મિચેલ સ્ટાર્કે આઉટ કર્યા હતા. એટલે કે ટીમ ઈન્ડિયાને નાના સ્કોર પર આઉટ કરવામાં સ્ટાર્કનો મોટો ફાળો હતો.  


IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર