Mohammed Shami ECI Notice: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) માટે સમય સારો ચાલી રહ્યો નથી. એક તરફ શાનદાર પ્રદર્શન છતાં તેમને ન્યુઝીલેન્ડ સામેની ODI સીરીઝ માટે ટીમમાં સ્થાન નથી મળ્યું, તો બીજી તરફ હવે ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવતા મુશ્કેલીમાં વધારો થયો છે.

Continues below advertisement

ચૂંટણી પંચે શમી અને તેના નાના ભાઈ મોહમ્મદ કૈફ (Mohammed Kaif) ને SIR (Special Intensive Revision) સુનાવણી માટે સમન્સ પાઠવ્યા છે. આ મામલો કોલકાતાના મતદાર લિસ્ટ અને વસ્તી ગણતરી ફોર્મમાં જોવા મળેલી ક્ષતિઓ સાથે જોડાયેલો છે.

ચૂંટણી પંચે શમી અને કૈફને કેમ નોટિસ આપી?

Continues below advertisement

મળતી માહિતી મુજબ, મોહમ્મદ શમી અને તેનો ભાઈ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 93 ના મતદારો છે, જે રાસબિહારી વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. ચૂંટણી પંચની તપાસ દરમિયાન શમી અને કૈફના વસ્તી ગણતરી ફોર્મમાં કેટલીક વિસંગતતાઓ (Discrepancies) અને ડેટા મેપિંગમાં ટેકનિકલ ખામીઓ સામે આવી છે. આ ક્ષતિઓને સુધારવા અને સ્પષ્ટતા મેળવવા માટે ચૂંટણી પંચે બંને ભાઈઓને સુનાવણી માટે બોલાવ્યા છે.

5 જાન્યુઆરીએ હાજર ન રહી શક્યા, હવે ક્યારે છે સુનાવણી?

શમી અને તેના ભાઈને આજે એટલે કે 5 જાન્યુઆરી, 2026 ના રોજ સહાયક ચૂંટણી નોંધણી અધિકારી (AERO) સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, બંને ભાઈઓ હાલમાં વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નથી.

શમીએ પોતાની ક્રિકેટિંગ પ્રતિબદ્ધતાઓ (Commitments) અંગે ચૂંટણી પંચને પત્ર લખીને જાણ કરી હતી. પંચે તેમની વિનંતી સ્વીકારી છે અને હવે સુનાવણીની તારીખ બદલીને 9 થી 11 જાન્યુઆરી વચ્ચે રાખવામાં આવી છે. બંગાળની ગ્રુપ સ્ટેજની મેચો ત્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે અને ક્વાર્ટર ફાઇનલ 12 જાન્યુઆરીથી શરૂ થશે, તેથી વચ્ચેના સમયમાં તેઓ હાજરી આપી શકશે.

શમીનું ફોર્મ શાનદાર, છતાં ટીમ ઈન્ડિયાથી દૂર

એક તરફ કાનૂની ગૂંચવાડો છે તો બીજી તરફ મેદાન પર શમી આગ ઓકી રહ્યો છે. ઘરેલુ ક્રિકેટમાં બંગાળ તરફથી રમતા મોહમ્મદ શમીએ વિજય હજારે ટ્રોફીમાં માત્ર 5 મેચમાં 11 વિકેટ ઝડપીને પોતાની ફિટનેસ અને ફોર્મ સાબિત કરી દીધું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.

આમ છતાં, પસંદગીકારોએ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની વન-ડે ટીમમાં તેમની અવગણના કરી છે, જે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.