Mohammed Shami Gets Bail: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને 19 સપ્ટેમ્બરે પત્નીએ નોંધાવેલા ઘરેલુ હિંસાના કેસમાં મોટી રાહત મળી છે. શમીને અલીપુર કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. કોર્ટમાં હાજર રહેવાની સાથે જ મોહમ્મદ શમીએ પોતાની જામીન અરજી પણ દાખલ કરી હતી.     


ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી 3 મેચની વનડે સીરીઝ અને ત્યારબાદ વન-ડે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયામાં સામેલ મોહમ્મદ શમી માટે આને મોટી રાહત માનવામાં આવી રહી છે. શમીની સાથે કોર્ટે તેના ભાઈ મોહમ્મદ હાસિમની જામીન અરજી પણ મંજૂર કરી છે. ઈનસાઈડ સ્પોર્ટ્સના અહેવાલ મુજબ, શમી અને તેનો ભાઈ વકીલ સલીમ રહેમાન સાથે કોર્ટમાં હાજર થયા હતા.                                                      


મોહમ્મદ શમીના વકીલ સલીમ રહેમાને જામીન મળ્યા બાદ કહ્યું કે શમી અને તેનો ભાઈ હાસીમ કોર્ટમાં હાજર થયા અને જામીન માટે અરજી કરી. તેમની અરજી કોર્ટે સ્વીકારી હતી. નોંધનીય છે કે શમીની પત્ની હસીન જહાંએ 8 માર્ચ 2018ના રોજ જાદવપુર પોલીસ સ્ટેશનમાં શમી અને તેના ભાઈ પર હેરાન કરવાનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી. જેમાં તેણીએ હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. 29 ઓગસ્ટ, 2019 ના રોજ અલીપુરની ACJM કોર્ટે શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. તે વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ અલીપુર જિલ્લા સેશન્સ કોર્ટે આદેશને સસ્પેન્ડ કર્યો હતો. આ કેસ લગભગ ચાર વર્ષથી પેન્ડિંગ છે.                   


ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં શમી પર રહેશે નજર


મોહમ્મદ શમીને એશિયા કપ 2023માં માત્ર 2 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે એક નેપાળ સામે અને બીજી બાંગ્લાદેશ ટીમ સામે રમી હતી. આ બંને મેચમાં શમીએ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. હવે તેને વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વન-ડે સીરિઝમાં તમામ મેચ રમવાની તક મળી શકે છે. આવી સ્થિતિમાં તમામની નજર તેના બોલિંગ પ્રદર્શન પર રહેલી છે.