MI vs DC Highlights IPL 2025:  મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રને હરાવ્યું. આ સાથે, મુંબઈએ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને દિલ્હી પ્લેઓફમાંથી બહાર થઈ ગયું છે. આ મેચમાં, MI ટીમે પ્રથમ બેટિંગ કરી અને 180 રન બનાવ્યા. મુંબઈએ છેલ્લી 2 ઓવરમાં 48 રન ઉમેરીને આ મોટો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં દિલ્હી ફક્ત 121 રન જ બનાવી શક્યું હતું. ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પછી મુંબઈ હવે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે.

 

દિલ્હી કેપિટલ્સને 181 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે 27 રનના સ્કોર સુધીમાં દિલ્હીએ ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનિંગ કરતી વખતે કેએલ રાહુલે માત્ર 11 રન બનાવ્યા. જ્યારે ફાફ ડુ પ્લેસિસ અને અભિષેક પોરેલે છ-છ રન બનાવ્યા.

વિપ્રાજ નિગમ અને સમીર રિઝવી વચ્ચેની ભાગીદારી હજુ તો ખીલવાની શરૂઆત જ થઈ હતી કે વિપ્રાજ 20 રન બનાવીને આઉટ થઈ ગયો. 65 રન સુધીમાં દિલ્હીની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ અને આશુતોષ શર્મા જેવા ફિનિશર્સ પણ આ મેચમાં નિષ્ફળ સાબિત થયા. સમીર રિઝવી એક છેડે ઊભો હતો અને દબાણ હેઠળ 39 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં.

એક સમયે, દિલ્હીએ 5 વિકેટ ગુમાવીને 103 રન બનાવ્યા હતા, પરંતુ આગામી 18 રનમાં, તેણે છેલ્લી 5 વિકેટ પણ ગુમાવી દીધી. દિલ્હીની હાલત એટલી ખરાબ હતી કે તેના 11 બેટ્સમેનમાંથી 7 બેટ્સમેન રનના સંદર્ભમાં બે આંકડાનો આંકડો પણ સ્પર્શી શક્યા ન હતા.

બુમરાહ-સેન્ટનરે તબાહી મચાવીમુંબઈ ઈન્ડિયન્સ માટે, મિશેલ સેન્ટનર અને જસપ્રીત બુમરાહે દિલ્હીના બેટ્સમેનો પર રિતસર તૂટી પડ્યા હતા. એક તરફ, સેન્ટનરે 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે બુમરાહે 3.2 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ લીધી. તેમના ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, વિલ જેક્સ અને કર્ણ શર્માએ પણ એક-એક વિકેટ લીધી.