નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસે દુનિયામાં લગભગ દરેક ખુણામાં તબાહી મચાવીને મુકી દીધી છે. વેક્સિન ના મળવાના કારણે હજુ પણ ઘણાબધા દેશોમાં કોરોના મહામારી ફરીથી વકરી છે. કોરોનાએ લોકોના જીવન પર ગંભીર અસર ઉભી કરી છે, કેટલાય લોકો બેરોજગાર બન્યા છે. આ લિસ્ટમાં ક્રિકેટરો પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ભારત જેવા મોટા દેશોના ક્રિકેટરોને આ મહામારીથી આર્થિક નુકશાન નથી થયુ પરંતુ કેટલાક દેશો એવા છે જેના ક્રિકેટરો મહામારીની નીચે દબાઇ ગયા છે. કામ-ધંધા બંધ થવાથી લોકો રસ્તાં પર આવી ગયા છે. આજે આ દેશોના ક્રિકેટરો ક્રિકેટની જગ્યાએ અન્ય કામ કરવા મજબૂર બન્યા છે.

આવો જ એક મામલો નેધરલેન્ડમાંથી સામે આવ્યો છે. ખરેખરમાં નેધરલેન્ડ ક્રિકેટ ટીમનો એક ખેલાડી ક્રિકેટ બંધ થવાથી ડિલીવરી બૉય બની ગયો છે. આ ખેલાડીનુ નામ છે વેન મિકેન. પૉલે ખુદ જણાવ્યુ કે ક્રિકેટ બંધ થવાના કારણે તે ઉબર ઇટ નામની કંપનીમાં ડિલીવરી બૉયનુ કામ કરી રહ્યો છે.

પૉલ વેન મિકેને આજે એક ઇમૉશનલ ટ્વીટ કરીને પોતાની તકલીફોને દુનિયાની સાથે શેર કરી, તેને ટ્વીટ કરીને કહ્યું- આજે ક્રિકેટ રમાવવી જોઇતી હતી, હવે હુ આ શિયાળામાં ઉબેર ઇટની ડિલીવરી કરી રહ્યો છુ. સમય જ્યારે બદલાય છે ત્યારે મજાક લાગે છે. હંસતા રહો સાથીઓ.



ઉલ્લેખનીય છે કે જો કોરોના ના હોત તો 14 નવેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 2020 આઇસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલ રમાતી. આ ટૂર્નામેન્ટમાં નેધરલેન્ડની ટીમ પણ ભાગ લેતી. જોકે કોરોના મહામારીના કારણે આ ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવી છે.