World Cup 2023 Points Table Update: અફઘાનિસ્તાને ODI વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાને 7 વિકેટે હરાવીને ત્રીજી જીત મેળવી છે. આ જીત સાથે અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું. પાંચમા નંબરે આવીને અફઘાનિસ્તાને સેમિફાઇનલની રેસમાં પોતાને વધુ મજબૂત બનાવી અને પરાજિત શ્રીલંકા તથા પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધારી દીધી.


જીત બાદ અફઘાનિસ્તાનના 6 પોઈન્ટ છે અને નેટ રન રેટ નેગેટિવ -0.718 છે. શ્રીલંકા અને પાકિસ્તાન 4-4 પોઈન્ટના કારણે અનુક્રમે છ અને સાતમાં નંબરે સરકી ગયા છે. સારા નેટ રન રેટના કારણે શ્રીલંકા ટેબલમાં પાકિસ્તાનથી ઉપર છે. બંને ટીમો માટે સેમિફાઇનલમાં પ્રવેશવાની તકો ઘણી ઓછી હતી.


ટોપ-4માં કોઈ ફેરફાર નથી


અફઘાનિસ્તાનની જીતને કારણે પોઈન્ટ ટેબલના ટોપ-4માં કોઈપણ પ્રકારનો કોઈ ફેરફાર થયો નથી. યજમાન ભારત 12 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. આ પછી દક્ષિણ આફ્રિકા 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા 8-8 પોઈન્ટ સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. સારા નેટ રન રેટના કારણે ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને છે.


બીજી ટીમોની પણ આ જ હાલત છે


અફઘાનિસ્તાન 6 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને દેખાય છે. આ પછી, શ્રીલંકા 4 પોઈન્ટ અને નેટ રન રેટ નેગેટિવ -0.275 સાથે છઠ્ઠા ક્રમે છે, પાકિસ્તાન 4 પોઈન્ટ અને નેટ રન રેટ નેગેટિવ -0.387 સાથે સાતમા ક્રમે છે અને નેધરલેન્ડ 4 પોઈન્ટ અને નેટ રન રેટ સાથે આઠમા ક્રમે છે. ત્યારબાદ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ 2-2 પોઈન્ટ સાથે અનુક્રમે નવમા અને દસમા સ્થાને છે. બાંગ્લાદેશનો નેટ રન રેટ ઈંગ્લેન્ડ કરતા સારો છે, જેના કારણે તે ઈંગ્લેન્ડ કરતા એક નંબર ઉપર છે. બાંગ્લાદેશનો નેટ રન રેટ -1.338 અને ઈંગ્લેન્ડનો નેટ રન રેટ -1.652 છે.


શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 49.3 ઓવરમાં 241 રન બનાવી ઓલઆઉટ થયું હતું. નિસાંકાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. કુસલ મેંડિસે 39, સમરવિક્રામાએ 36, મહેશ તીક્ષ્ણાએ 29 રનનું યોગદાન આપ્યું હતું.  અફઘાનિસ્તાન તરફથી ફારૂકીએ 34 રનમાં 4 વિકેટ, મુજીબે 38 રનમાં 2 વિકેટ, રાશિદ ખાને 50 રનમાં 1 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાને 242 રનના ટાર્ગેટને 45.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પાર પાડ્યો હતો. ગુરબાઝ ખાતું ખોલાવી શક્યો નહોતો. ઝરદાને 39 અને રહમત શાહે 62 રન બનાવ્યા હતા. શાહીદી 58 રન અને ઓમરઝઇ 73 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.