On This Day India Won ICC Champions Trophy 2013: ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો છે, કેમ કે આજના દિવસે એટલે કે 23 જૂને ભારતીય ક્રિકેટ ટીમે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી હતી. હકીકતમાં, આ દિવસે ટીમ ઇન્ડિયાએ પોતાનું છેલ્લું ICC ટાઇટલ જીત્યું હતું. આજથી 10 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાએ માત્ર આઈસીસીનું છેલ્લું ટાઈટલ જ ન હતુ જીત્યું પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ઈતિહાસ રચી દીધો હતો. 


10 વર્ષ પહેલા ધોનીએ રચ્યો હતો ઇતિહાસ - 
23 જૂન, 2013એ ફાઇનલ મેચમં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ICC ચેમ્પીયન્સ ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો. તો બીજીબાજુ એમએસ ધોનીના નામે પણ એક ખૂબ જ મોટો રેકોર્ડ બન્યો હતો, જે આજ સુધી તુટી શક્યો નથી, અને તેનો તોડવો લગભગ અશક્ય છે. ખરેખરમાં 10 વર્ષ પહેલા ધોની ત્રણ અલગ-અલગ ICC ટાઇટલ જીતનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો હતો. તેને 2013 ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા 2011 ODI વર્લ્ડકપ અને 2007 T20 વર્લ્ડકપ જીત્યો હતો.


વરસાદના કારણે 20 ઓવરોની રમાઇ હતી ફાઇનલ મેચ, છેલ્લા બૉલે જીતી હતી ટીમ ઇન્ડિયા - 
વર્ષ 2013ની ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલ મેચ વરસાદને કારણે 20-20 ઓવરની રમાઈ હતી. પ્રથમ ઇનિંગમાં ભારતે 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને માત્ર 129 રન જ બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની બેટિંગ લાઇન અપ જોઈને આ ટાર્ગેટ બહુ મોટો નહતો લાગતો, પરંતુ ધોનીની રણનીતિ જ કંઇક અલગ હતી.






130 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 9મી ઓવરમાં માત્ર 46ના સ્કૉર પર ઈંગ્લેન્ડે પોતાની ચાર મહત્વની વિકેટો ગુમાવી બેઠું હતુ. આ દરમિયાન સર એલિસ્ટર કૂક 02, ઈયાન બેલ 13, જોનાથન ટ્રૉટ 20 અને જૉ રૂટ 07 રન બનાવીને પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા.






મૉર્ગન અને બોપારાએ કરાવી હતી ઇંગ્લેન્ડની વાપસી - 
9મી ઓવરમાં 46ના સ્કૉર પર ચાર વિકેટ પડી ગયા બાદ ઇયૉન મોર્ગન અને રવિ બોપારા પોતાની ટીમને મેચમાં પાછા લાવ્યા હતા. જ્યારે 18મી ઓવરમાં સ્કૉર 110 થઈ ગયો ત્યારે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડ આસાનીથી મેચ જીતી જશે, પરંતુ ઈશાંત શર્માએ એ જ ઓવરમાં મોર્ગન 33 અને બોપારા 30ને આઉટ કરીને મેચને ભારતના હાથમાં લાવી દીધી હતી. આ પછી વિકેટોની લાઇનો લાગી અને ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 8 વિકેટે 124 રન જ બનાવી શક્યું. આ રીતે ભારતે 5 રનથી મેચ જીતી લીધી હતી.