'શું મુસ્લિમ હોવાના કારણે પસંદગી ન થઈ?' સરફરાઝ ખાન સીલેક્ટ ન થવા પર અસદુદ્દીન ઓવૈસી ભડક્યા, BCCI ને કર્યો સવાલ તો...
Asaduddin Owaisi on Sarfaraz Khan: સરફરાઝ ખાનની ઇન્ડિયા A ટીમમાં પસંદગી ન થવા પર ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોએ BCCI અને પસંદગીકારોની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે.

Asaduddin Owaisi on Sarfaraz Khan: ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરનાર અને હાલમાં ફિટ જાહેર થયેલા બેટ્સમેન સરફરાઝ ખાન ની દક્ષિણ આફ્રિકા સામેની ઇન્ડિયા A ટીમમાં પસંદગી ન થતાં મોટો વિવાદ સર્જાયો છે. ઋષભ પંતની આગેવાની હેઠળની આ ટીમની જાહેરાત બાદ, AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પર પ્રશ્ન ઉઠાવ્યો, જેના કારણે હંગામો મચી ગયો છે. ઓવૈસીના સવાલ પર ચાહકોએ ટિપ્પણીઓમાં ધર્મના આધારે ભેદભાવ અને ડ્રેસિંગ રૂમમાંથી માહિતી લીક થવા જેવી વિવાદિત દલીલો રજૂ કરી છે. અગાઉ ફિટનેસને કારણે બાકાત રખાયેલા સરફરાઝે હવે લગભગ 17 કિલો વજન ઘટાડ્યું હોવા છતાં તેની અવગણના થતાં પસંદગીકારોની નીતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે.
ઘરેલુ ક્રિકેટના સ્ટાર સરફરાઝની સતત અવગણના
મંગળવારે, BCCI દ્વારા દક્ષિણ આફ્રિકા સામેની બે મેચ માટે ઇન્ડિયા A ટીમની જાહેરાત કરવામાં આવી, જેમાં અનુભવી અને યુવા ખેલાડીઓના મિશ્રણની પસંદગી કરવામાં આવી હતી, અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. જોકે, આ જાહેરાતમાં એક નામની ગેરહાજરીએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે – તે છે મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટમાં રનનો ઢગલો કરનાર બેટ્સમેન સરફરાઝ ખાન.
સરફરાઝ ખાનની ઇન્ડિયા A ટીમમાં પસંદગી ન થવા પર ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોએ BCCI અને પસંદગીકારોની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. આ વિવાદમાં હવે રાજકીય એન્ટ્રી થઈ છે. અનુભવી રાજકારણી અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સીધો પ્રશ્ન કર્યો: "સરફરાઝ ખાનને ઈન્ડિયા A માટે કેમ પસંદ ન કરવામાં આવ્યો?"
વિવાદનું રાજકીય અને ધાર્મિક સ્વરૂપ
અસદુદ્દીન ઓવૈસીની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચાહકોની ટિપ્પણીઓનો ધમધમાટ શરૂ થયો છે. કેટલાક ચાહકોએ સીધો જ ઈશારો કરીને દાવો કર્યો કે સરફરાઝની પસંદગી એટલા માટે કરવામાં આવી નથી કારણ કે તે મુસ્લિમ છે. જ્યારે અન્ય કેટલાક યુઝર્સે દાવો કર્યો કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન સરફરાઝ ખાને ડ્રેસિંગ રૂમમાંથી માહિતી લીક કરી હતી, જેના કારણે તેને બાકાત રાખવામાં આવ્યો છે. આ રાજકીય અને ધાર્મિક રંગે રંગાયેલા વિવાદે ક્રિકેટ જગતમાં ગરમાવો લાવી દીધો છે.
Why isn’t Sarfaraz Khan selected even for India A? https://t.co/WZQbZjhtrq via @IndianExpress
— Asaduddin Owaisi (@asadowaisi) October 21, 2025
ફિટનેસ અને ફોર્મ હવે અવરોધરૂપ નથી
અગાઉ, સરફરાઝ ખાનની પસંદગી ન થવા પાછળનું મુખ્ય કારણ તેની ફિટનેસ અને વજન ગણાતું હતું. તેને અનફિટ ગણાવીને ટીમમાંથી બાકાત રખાતો હતો. જોકે, તાજેતરના અહેવાલો મુજબ, સરફરાઝે તેની ફિટનેસ પર સખત મહેનત કરી છે અને તેનું વજન લગભગ 17 કિલો જેટલું ઘટાડ્યું છે. હવે તેની ફિટનેસ અને ફોર્મ તેના માટે કોઈ જોખમરૂપ નથી, તે છતાં તેની અવગણના થવી એ પસંદગીકારોના માપદંડો પર ગંભીર સવાલો ઊભા કરે છે.
તમારી જાણકારી માટે, સરફરાઝ ખાન BCCI ની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીનો ભાગ છે. ગયા મહિને, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે સરફરાઝનું નામ તેમાં સામેલ નહોતું. તે સમયે મુખ્ય પસંદગીકારે તેને 'અનફિટ' ગણાવ્યો હતો. જોકે, હવે સંપૂર્ણપણે ફિટ હોવા છતાં તેની ઇન્ડિયા A ટીમમાં પણ પસંદગી ન થવી, એ ભેદભાવ અને યોગ્ય માપદંડના અભાવ તરફ ઈશારો કરે છે. સરફરાઝે અત્યાર સુધીમાં ભારત માટે 6 ટેસ્ટ મેચમાં 37.1 ની સરેરાશથી 371 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી અને 1 સદી સામેલ છે.




















