શારજાહ: યુએઈમાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીની ચોથી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 18 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાન તરફથી સદિકલ્લાહ અટલ અને ઇબ્રાહિમ ઝદરાનની શાનદાર અડધી સદી અને 113 રનની મજબૂત ભાગીદારીની મદદથી પાંચ વિકેટે 169 રન ફટકાર્યા હતા. સલમાન આગાની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ બુધવારે યજમાન યુએઈ સામે તે જ મેદાન પર પોતાની આગામી મેચ રમશે.

સ્પિનમાં ફસાયું પાકિસ્તાન

જવાબમાં પાકિસ્તાનની ટીમ નવ વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 151 રન જ કરી શકી હતી. ચાર ઓવરમાં પાકિસ્તાનના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા. અફઘાનિસ્તાન માટે ફઝલક ફારૂકી, રાશિદ ખાન, નૂર અહેમદ અને મોહમ્મદ નબીએ બે-બે વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાને ફરી એકવાર સાબિત કર્યું કે એશિયા કપમાં તેમની બોલિંગ શ્રેષ્ઠ બેટિંગ ઓર્ડરને પણ ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

એશિયા કપ પહેલા તૈયારીઓ ખુલ્લી પડી

લક્ષ્યનો પીછો કરતી વખતે પાકિસ્તાનની ટીમ ફક્ત 151 રન જ કરી શકી હતી.  હારિસ રઉફે અંતે 16 બોલમાં 34 રનની આક્રમક ઈનિંગ રમી હતી. જેમાં તેણે ચાર સિક્સ ફટકારી હતી. ફખર ઝમાન (25), કેપ્ટન સલમાન અલી આગા (20) અને સાહિબઝાદા ફરહાન (18) એ થોડો પ્રયાસ કર્યો, પરંતુ ટીમને વિજય અપાવી શક્યા નહોતા. બોલિંગમાં ફહીમ અશરફ પાકિસ્તાન માટે સૌથી સફળ બોલર રહ્યો અને તેણે 27 રન આપી ચાર વિકેટ ઝડપી હતી.

યુએઈનું ખાતું હજુ ખુલ્યું નથી

આ જીત છતાં અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહ્યું. બે જીત અને ચાર પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ -૦.૦25 થી સુધરીને ૦.283 થયો હતો. ત્રણમાંથી બે મેચ જીતી ચૂકેલ પાકિસ્તાન હજુ પણ ચાર પોઈન્ટ સાથે ટોચ પર છે પરંતુ તેનો નેટ રન રેટ 1.750 થી ઘટીને 0.867 થયો છે. યજમાન યુએઈ હજુ સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી અને -1.725 ના નેટ રન રેટ સાથે તળિયે છે.

બીજી તરફ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝ શરૂ થઈ ગઈ છે. પ્રથમ વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને કારમી હાર આપી હતી. ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુક, બેન ડકેટ અને જો રૂટ સહિત ઘણા ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા.