ઈંગ્લેન્ડે કરાચી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનમાં રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડે 3-0થી જીત મેળવીને પાકિસ્તાનનો સફાયો કર્યો હતો. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી.






ઈંગ્લેન્ડની બેઝબોલ પોલિસીની અસર અહીં પણ જોવા મળી કારણ કે ટીમ પાકિસ્તાન સામે સંપૂર્ણપણે આક્રમક રીતે રમી હતી. આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 306 રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 354 રન બનાવ્યા હતા.






બીજી ઈનિંગમાં પાકિસ્તાનની ટીમ 216 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને બાદમાં ઈંગ્લેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને 170 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું હતું. 18 વર્ષીય રેહાન અહેમદ કરાચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ માટે હીરો સાબિત થયો. તેણે ટેસ્ટ ડેબ્યૂમાં જ પાંચ વિકેટ ઝડપી હતી.


 રેહાન અહેમદ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂમાં 5 વિકેટ લેનારો સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે, તેણે 18 વર્ષ 128 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું હતું. રેહાન અહેમદે પ્રથમ દાવમાં 2 અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.


ઈંગ્લેન્ડ-પાકિસ્તાન ટેસ્ટ સિરીઝ



  • પ્રથમ ટેસ્ટ (રાવલપિંડી) – ઈંગ્લેન્ડ 74 રનથી જીત્યું

  • બીજી ટેસ્ટ (મુલતાન) – ઈંગ્લેન્ડ 26 રનથી જીત્યું

  • ત્રીજી ટેસ્ટ (કરાંચી) – ઈંગ્લેન્ડ 8 વિકેટે જીત્યું


આ હાર પાકિસ્તાન માટે ખૂબ જ ખરાબ છે કારણ કે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનને ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. આ સાથે તેણે ઘરઆંગણે સતત બીજી શ્રેણી ગુમાવી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ તેને ઘરઆંગણે 1-0થી હરાવ્યું હતું. પાકિસ્તાને 1954/55માં પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમી હતી, જ્યારે ભારત ત્યાં ગયું હતું. પાંચ ટેસ્ટની તે શ્રેણી 0-0થી ડ્રો રહી હતી.


  ઈંગ્લેન્ડે લગભગ 22 વર્ષ બાદ પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. અગાઉ જ્યારે ઈંગ્લેન્ડે 2000/01માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો ત્યારે તેણે શ્રેણી 1-0થી જીતી હતી. પાકિસ્તાનની ધરતી પર ઈંગ્લેન્ડની આ એકંદરે ત્રીજી ટેસ્ટ શ્રેણી જીત છે.