PAK vs UAE: એશિયા કપ 2025ની છઠ્ઠી મેચ સમાપ્ત થયા પછી ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યા નહીં. કેપ્ટન સૂર્યકુમાર યાદવે સિક્સર મારીને મેચ પૂરી કરી અને સીધો ડ્રેસિંગ રૂમમાં ગયો. આખી ટીમ અંદર ગઈ અને દરવાજો બંધ કરી દીધો. મેચ પહેલા સૂર્યા અને પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ પણ હાથ મિલાવ્યા નહીં. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCનો સંપર્ક કર્યો હતો. બોર્ડે કહ્યું કે જો મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવામાં નહીં આવે તો તેઓ UAE સામેની તેમની આગામી મેચનો બહિષ્કાર કરશે. ICC એ પાયક્રોફ્ટને એશિયા કપમાંથી હટાવ્યા નથી.

શું પાકિસ્તાન ટીમ UAE સામે રમશે?

પાકિસ્તાન અને UAE વચ્ચેની મેચ આજે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી છે. આ પહેલા સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાકિસ્તાન આ મેચ રમશે કે નહીં. PCB એ મંગળવારે આ અંગે એક નિવેદન જાહેર કર્યું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર, બોર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે, 'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપ અંગે કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યું નથી. હજુ પણ સૂચનો લેવામાં આવી રહ્યા છે અને નિર્ણય બુધવાર સુધીમાં જાહેર કરવામાં આવશે.' PCB સ્પષ્ટ કરવા માંગે છે કે જે પણ નિર્ણય લેવામાં આવશે તે પાકિસ્તાનના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

સુપર-4માં જવા માટે જીત જરૂરી છે

જો પાકિસ્તાનની ટીમ UAE સામેની મેચનો બહિષ્કાર કરશે તો તે એશિયા કપમાંથી પણ બહાર થઈ જશે. જો તે સુપર-4માં જવા માંગશે તો તેણે UAEને હરાવવું પડશે. પાકિસ્તાને એશિયા કપ 2025માં ઓમાનને હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ ટીમ ભારત સામે હારી ગઈ. ભારત સામે હાર્યા બાદ UAEએ ઓમાનને હરાવ્યું હતું. બંને ટીમોના 2-2 મેચમાં ફક્ત 2-2 પોઈન્ટ છે. પાકિસ્તાનનો નેટ રન રેટ સારો છે પરંતુ હવે તેનો કોઈ ફાયદો નથી. બંને ટીમો વચ્ચેની મેચ જીતનાર ટીમ આગામી રાઉન્ડમાં પહોંચશે.