મુલતાનઃ બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ટીમે બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 120 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. આ સાથે ટીમે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 10મી દ્વિપક્ષીય વન-ડે સીરિઝ કબજે કરી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટે 275 રન બનાવ્યા હતા. બાબર ઉપરાંત ઇમામ-ઉલ-હકે અડધી સદી ફટકારી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 32.2 ઓવરમાં 155 રનમાં સમેટાઈ ગઈ હતી. શેમરાહ બ્રુક્સે 42 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ડાબોડી સ્પિનર ​​મોહમ્મદ નવાઝે 10 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ તેનું ODIનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. મોહમ્મદ વસીમને પણ 3 વિકેટ મળી હતી. સીરિઝની અંતિમ મેચ 12 જૂને રમાશે.


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી રહી ન હતી. શાઈ હોપ પ્રથમ ઓવરમાં જ ઝડપી બોલર શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. તેણે 4 રન બનાવ્યા હતા. આ પછી શેમરાહ બ્રૂક્સ અને કાયલ મેયર્સે બીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરીને ટીમની કમાન સંભાળી હતી. મેયર્સ 25 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બ્રેન્ડન કિંગ 0, નિકોલસ પૂરન 25 અને રોવમેન પોવેલ માત્ર 10 રન બનાવી શક્યા હતા. ટીમે કુલ 116 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.


બ્રુક્સ 56 બોલમાં 42 રન બનાવી નવાઝનો શિકાર બન્યો હતો. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. રોમારિયા શેફર્ડને લેગ સ્પિનર ​​શાદાબ ખાને એક રન બનાવીને આઉટ કર્યો હતો. ટીમે 120 બોલમાં 7 વિકેટ ગુમાવી દીધી. આ પછી અકીલ હુસૈન અને અલઝારી જોસેફે 41 બોલમાં 25 રન બનાવ્યા હતા.


બાબર અને ઈમામની અડધી સદી


આ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફખર ઝમાન માત્ર 17 રન બનાવી શક્યો હતો. ઈમામ-ઉલ-હકે 72 બોલમાં 72 રન બનાવ્યા હતા. જ્યારે બાબર આઝમે 93 બોલમાં 77 રન બનાવ્યા હતા. બંનેએ સતત છઠ્ઠી વનડેમાં 50થી વધુ રનની ઇનિંગ રમી હતી. આ સિવાય બંનેએ બીજી વિકેટ માટે 120 રનની મોટી ભાગીદારી કરી હતી.