Rahul Dravid KKR: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. ટી 20 વર્લ્ડ કપ 2024 પછી તેણે મજાકના સ્વરમાં કહ્યું હતું કે હવે તે બેરોજગાર રહેશે. પરંતુ આવું થતું જણાતું નથી. એક રિપોર્ટ અનુસાર કોલકાતા નાઈટ રાઈડર્સે દ્રવિડનો સંપર્ક કર્યો છે. KKR દ્રવિડને મેન્ટરનું પદ આપવા માંગે છે. ગૌતમ ગંભીર વિશે ચર્ચા છે કે તે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે. જેથી તેમની જગ્યા ખાલી થવાની છે.


ન્યૂઝ18 બાંગ્લાના એક સમાચાર અનુસાર, કોલકત્તાએ રાહુલ દ્રવિડનો સંપર્ક કર્યો છે. ટીમ દ્રવિડને મેન્ટર બનાવવા માંગે છે. વાસ્તવમાં ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બને તેવા રિપોર્ટ છે.  જો ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનશે તો KKRમાં તેની જગ્યા ખાલી થઈ જશે. તેથી KKR તેની જગ્યાએ કોઈ અનુભવી ખેલાડીને ટીમમાં સામેલ કરવા ઈચ્છે છે. તેથી કોલકત્તા દ્રવિડને મેન્ટર બનાવી શકે છે.


દ્રવિડની કોચિંગ કારકિર્દી દમદાર છે


રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું છે. ભારતીય ટીમ આ પહેલા વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી હતી. અહીં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ પહેલા તેણે પોતાની તમામ મેચ જીતી હતી. દ્રવિડને કોચિંગનો ઘણો અનુભવ છે. જો તેઓ KKR સાથે જોડાય છે તો ખેલાડીઓને તેનો ઘણો ફાયદો મળી શકે છે.


દ્રવિડ ગંભીરનું સ્થાન લઈ શકે છે


ગંભીરની વાપસી બાદ કેકેઆરનું પ્રદર્શન ઘણું સારું બન્યું હતું. ટીમે IPL 2024નું ટાઇટલ જીત્યું હતું કોલકાતાએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. કોલકત્તા પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. તેણે 14 લીગ મેચ રમી હતી. આ દરમિયાન 9 મેચ જીતી હતી અને 3 મેચ હારી હતી. હવે ગંભીર કોલકત્તામાંથી વિદાય લેવાનો છે ત્યારે રાહુલ દ્રવિડ તેનું સ્થાન લઇ શકે છે. જો દ્રવિડ કોલકત્તામાં જોડાય છે તો તેને પગાર તરીકે મોટી રકમ મળી શકે છે.