BCCI New President: એશિયા કપ 2025માં ભારતનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે UAE સાથે છે, જે શરૂ થવામાં હવે 2 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આ દરમિયાન એક મોટા સમાચાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર, રાજીવ શુક્લાને BCCIના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. રોજર બિન્ની ટૂંક સમયમાં સત્તાવાર રીતે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે.

રિપોર્ટ અનુસાર, 27 ઓગસ્ટે રાજીવ શુક્લાના નેતૃત્વમાં BCCI અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમના ટાઇટલ સ્પોન્સર તરીકે ડ્રીમ-11 સાથેના કરારને સમાપ્ત કરવા અને નવો કરાર શોધવા અંગે પણ ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે 2022માં સૌરવ ગાંગુલીએ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યા પછી રોજર બિન્નીએ આ પદ સંભાળ્યું હતું. તેમની ઉંમર 70 વર્ષથી વધુ છે, જેના કારણે તેઓ ટૂંક સમયમાં તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે.

કોણ છે રાજીવ શુક્લા

રાજીવ શુક્લાનો જન્મ 13 સપ્ટેમ્બર 199 ના રોજ થયો હતો. તેઓ હાલમાં 66 વર્ષના છે. તેઓ પહેલા પત્રકાર હતા જેમણે પાછળથી રાજકારણમાં પ્રવેશ કર્યો અને પછી ભારતીય ક્રિકેટમાં ખાસ સ્થાન બનાવ્યું. 2015માં તેમને IPL ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 18 ડિસેમ્બર, 2020ના રોજ તેમને BCCIના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ છત્તીસગઢના રાજ્યસભા સાંસદોમાંના એક છે.

શું નિયમ છે?

નિયમ મુજબ, BCCIના કોઈપણ અધિકારીએ 70 વર્ષની ઉંમર પછી પદ છોડવું પડે છે. રોજર બિન્ની 19 જૂલાઈ 1955ના 70 વર્ષના થયા છે, તેથી તેઓ પ્રમુખ પદ પર રહેવા માટે અયોગ્ય છે. અહેવાલો અનુસાર, રાજીવ શુક્લા નવા પ્રમુખની પસંદગી થાય ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરશે.

BCCI લોઢા સમિતિની ભલામણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બનાવવામાં આવેલા બંધારણ પર ચાલે છે. જે મુજબ BCCIના અધિકારીઓ માટે પદ પર રહેવાની મહત્તમ ઉંમર 70 વર્ષ છે. રોજર બિન્ની 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ છે. તેમણે ભારત માટે 27 ટેસ્ટ અને 72 વનડે રમી છે, જેમાં તેમણે અનુક્રમે 47અને 77 વિકેટ લીધી છે.

એશિયા કપ પહેલા નવો ટાઇટલ સ્પોન્સર શોધવો મુશ્કેલ છે

BCCI હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે નવા ટાઇટલ સ્પોન્સરની શોધમાં છે, કારણ કે ઓનલાઈન ગેમિંગ કાયદા પછી BCCI અને ડ્રીમ11 વચ્ચેનો કરાર સમય પહેલા જ સમાપ્ત થઈ ગયો છે. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, તેથી તે પહેલાં નવા ટાઇટલ સ્પોન્સર સાથે કરાર પર હસ્તાક્ષર કરવા મુશ્કેલ લાગે છે. BCCI થોડા દિવસોમાં નવા ટાઇટલ સ્પોન્સર માટે જાહેરાત બહાર પાડી શકે છે.