નવી દિલ્હી: કેરળ અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ખૂબ જ રોમાંચક મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમમાંથી પડતો મુકવામાં આવેલા ઓપનર મયંક અગ્રવાલે શાનદાર બેટિંગ કરી હતી. પોતાની ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતા તે 57.78ના સ્ટ્રાઇક રેટથી 360 બોલમાં 208 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તેણે 17 ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ્સ સાથે તેણે ફરી એકવાર ભારતીય ટીમમાં વાપસીનો દાવો મજબૂત કર્યો છે.


કેરળે પ્રથમ દાવમાં 342 રન બનાવ્યા


સેન્ટ ઝેવિયર્સ કોલેજ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેરળની ટીમ 130.1 ઓવરમાં 342 રન જ બનાવી શકી હતી. ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરતા સચિન બેબીએ 307 બોલમાં સૌથી વધુ 141 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 17 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. બેબી સિવાય જલજ સક્સેનાએ 134 બોલમાં 57 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.


કેરળના પ્રથમ દાવમાં 342 રનમાં ઓલઆઉટ થયા બાદ કર્ણાટકે તેની પ્રથમ ઇનિંગમાં છ વિકેટના નુકસાને 410 રન બનાવી લીધા છે. ટીમ માટે કેપ્ટન મયંક અગ્રવાલે સૌથી વધુ 208 રનનું યોગદાન આપ્યું છે. આ સાથે જ નિકિન જોસે અડધી સદી ફટકારી હતી.


Ranji Trophy: ગુજરાત 54 રનમાં ઓલઆઉટ


નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં વિદર્ભે ગુજરાતને બીજી ઇનિંગ્સમાં ફક્ત 54 રનમાં ઓલઆઉટ કરી ઇતિહાસ રચ્યો હતો. વિદર્ભે મેચ જીતવા માટે 73 રનનો સરળ ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા ગુજરાતની ટીમ ફક્ત 54 રનમાં ઓલઆઉટ થઇ હતી. વિદર્ભ તરફથી મેચમાં  સ્પિનર ​​આદિત્ય સરવટેએ 11 વિકેટ ઝડપી હતી. વિદર્ભે રણજી ટ્રોફી ગ્રુપ ડી મેચના ત્રીજા દિવસે 18 રનથી જીત મેળવી હતી


વિદર્ભે ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કર્યો છે. આ પહેલા બિહારે 1948માં દિલ્હીને હરાવ્યું હતું. 49 રનમાં માત્ર 78 રનનો ટાર્ગેટ આપ્યા બાદ જીત નોંધાવી હતી. આ મેદાન પર 9 ફેબ્રુઆરીથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ રમવાની છે. મેચમાં પહેલા દિવસે 15 અને બીજા દિવસે 16 વિકેટ પડી હતી.


બીજી ઇનિંગમાં ગુજરાતે એક વિકેટે છ રનથી રમવાનું શરૂ કર્યું અને આખી ટીમ 31 ઓવરમાં 54 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સરવટેએ 15.3 ઓવરમાં 17 રન આપીને છ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી. લેફ્ટ આર્મ સ્પિનર ​​હર્ષ દુબેએ ત્રણ વિકેટ ઝડપી હતી. ગુજરાત માટે માત્ર ત્રીજા નંબરનો બેટ્સમેન સિદ્ધાર્થ દેસાઈ 18 રન બનાવ્યા  હતા.


વિદર્ભે પ્રથમ દાવમાં 74 રન બનાવ્યા હતા જ્યારે પ્રથમ દાવમાં ગુજરાતે 256 રન બનાવીને 182 રનની લીડ મેળવી હતી. વિદર્ભે બીજા દાવમાં 254 રન બનાવ્યા અને ગુજરાતને 73 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  વિદર્ભે તેની બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી. જીતેશ શર્માએ 53 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી, જ્યારે નચિકેતે પણ 66 બોલમાં 42 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. સિદ્ધાર્થ દેસાઈ ગુજરાત માટે શાનદાર રહ્યો છે. તેણે છ  વિકેટ ઝડપી હતી