CSK vs RR: IPL 2024 વિચિત્ર ઘટનાઓથી ભરેલી રહી છે. હવે રવિવારે રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ મેચમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પહેલા રમતા આરઆરએ નિર્ધારિત 20 ઓવરમાં 141 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે ચેન્નાઈની ટીમ ઘણી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી હતી. આ દરમિયાન, જાણો 16મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા સાથે કંઈક એવું થયું, જેના કારણે તેને બોલ સ્ટમ્પને અડ્યા વિના આઉટ જાહેર કરવામાં આવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ કિસ્સા પર મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.
જાડેજા કેવી રીતે આઉટ થયો?
ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની 15મી ઓવરનો આ મામલો છે. 142 રનના લક્ષ્યાંકનો પીછો કરતા CSKએ 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. 16મી ઓવર નાખવા આવેલા આવેશ ખાને પહેલા 4 બોલમાં ચાર રન આપ્યા હતા. કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતા. આ દરમિયાન પાંચમો બોલ જાડેજાએ થર્ડ મેન તરફ ફટકાર્યો હતો. જાડેજા 2 રન લેવા માંગતો હતો, પરંતુ ગાયકવાડ ન દોડ્યો. તેથી જ્યારે જાડેજા બીજા રન માટે અડધી પીચ પર દોડતો આવી ગયો હતો, ત્યારે તેણે નોન-સ્ટ્રાઇકીંગ એન્ડ પર પાછા ફરવું પડ્યું. જ્યારે વિકેટકીપર સંજુ સેમસને સીધો હિટ મારવાનો પ્રયાસ કર્યો ત્યારે જાડેજા બોલ અને સ્ટમ્પની વચ્ચે આવી ગયો. અમ્પાયરે રિવ્યૂ માટે સંકેત આપ્યો, જેમાં જાણવા મળ્યું કે જાડેજાએ બોલને સ્ટમ્પ સાથે અથડાતા રોક્યો હતો. આ કારણોસર જાડેજાને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
CSK પ્લેઓફની નજીક
IPL 2024 પ્લેઓફની રેસમાં વધુ સારી સ્થિતિમાં રહેવા માટે CSK માટે રાજસ્થાન રોયલ્સને હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 13 મેચમાં 7 જીત બાદ 14 પોઈન્ટ છે. ટીમનો નેટ રન રેટ +0.528 થઈ ગયો છે. લીગ તબક્કામાં CSKની છેલ્લી મેચ RCB સામે હશે, જેમાં જીત ચેન્નાઈનું ટોપ-4માં સ્થાન નિશ્ચિત કરી શકે છે. ચેન્નાઈ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે.