Ravindra Jadeja ODI Retirement Hint: ટીમ ઈન્ડિયા (Team India) ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની કારકિર્દીને લઈને હાલ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ટી20 વર્લ્ડ કપ 2024 બાદ ટી20 ફોર્મેટને અલવિદા કહી ચૂકેલા જાડેજા હવે વનડે ક્રિકેટ (ODI Cricket) માંથી પણ સંન્યાસ લેવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વનડે શ્રેણીમાં જાડેજાનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. આ શ્રેણીની ત્રણેય મેચોમાં તેઓ એકપણ વિકેટ ઝડપી શક્યા ન હતા અને બેટિંગમાં પણ 30 રનનો આંકડો પાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ખરાબ ફોર્મ વચ્ચે હવે જાડેજાએ પોતે જ પોતાની નિવૃત્તિ (Retirement) અંગે એક મોટો સંકેત આપી દીધો છે.

ઋષભ પંત સાથેનો વીડિયો વાયરલ 

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રવિન્દ્ર જાડેજા અને વિકેટકીપર બેટર ઋષભ પંત (Rishabh Pant) એક કાર્યક્રમમાં સાથે જોવા મળી રહ્યા છે. મંચ પર જ્યારે બંને ખેલાડીઓને પૂછવામાં આવ્યું કે શું તેઓ ક્રિકેટ બાદ ફિલ્મોમાં કામ કરવાનું વિચારે છે? ત્યારે ઋષભ પંતે જવાબ આપ્યો કે, "મેં હજુ તેના વિશે વિચાર્યું નથી, મને અત્યારે ક્રિકેટ રમવા દો. બાકી જાડેજા ભાઈનું મને ખબર નથી." પંતના આ જવાબ પર જાડેજાએ હસતા હસતા ટકોર કરી હતી કે, "તો મતલબ આ (પંત) એમ કહી રહ્યો છે કે મારો સમય હવે પૂરો થઈ ગયો છે." ભલે જાડેજાએ આ વાત મજાકમાં કહી હોય, પરંતુ ક્રિકેટ સમીક્ષકો અને ચાહકો તેને જાડેજાની આગામી નિવૃત્તિના સંકેત તરીકે જોઈ રહ્યા છે.

કોણ લેશે જાડેજાનું સ્થાન? 

જો રવિન્દ્ર જાડેજા વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લે છે, તો ટીમ ઈન્ડિયા પાસે તેમના સ્થાને બે મજબૂત વિકલ્પો તૈયાર છે.

અક્ષર પટેલ (Axar Patel): ડાબોડી સ્પિનર અને બેટર તરીકે અક્ષર પટેલ જાડેજાનો પરફેક્ટ રિપ્લેસમેન્ટ માનવામાં આવે છે. અક્ષર અત્યાર સુધીમાં 71 ODI મેચ રમી ચૂક્યો છે અને અનેક મેચોમાં મેચ વિનિંગ પ્રદર્શન પણ કર્યું છે.

વોશિંગ્ટન સુંદર (Washington Sundar): યુવા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ રેસમાં છે. તેણે ભારત માટે 29 વનડે મેચ રમી છે અને પાવરપ્લેમાં બોલિંગ કરવાની ક્ષમતા તેને ખાસ બનાવે છે.

જાડેજાના તાજેતરના નિવેદન અને ફોર્મને જોતા, બીસીસીઆઈ (BCCI) પણ હવે ભવિષ્યની ટીમ તૈયાર કરવા માટે આ યુવા ખેલાડીઓને વધુ તકો આપી શકે છે.