નવી દિલ્હીઃ આઇપીએલની સિઝનમાં દમદાર પ્રદર્શન બાદ લડખડાતી રાજસ્થાનની ટીમને સાથ આપવા બેન સ્ટૉક્સ યુએઇ પહોંચી ગયો છે, હાલ ક્વૉરન્ટાઇન પીરિયડ પસાર કરી રહ્યો છે. ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ છેલ્લા કેટલાય મહિનાઓથી ક્રિકેટથી દુર છે, ક્રિકેટરના પિતા હાલ ન્યૂઝીલેન્ડમાં છે અને કેન્સર સામે ઝઝૂમી રહ્યાં છે. બેન સ્ટૉક્સ માતા-પિતાના આર્શીવાદ લઇને આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચી ચૂક્યો છે. બિમાર પિતાને છોડીને આઇપીએલ રમવા માટે આવવા પાછળનુ કારણ સામે આવ્યુ છે.


બેન સ્ટૉક્સ બ્રિટિશ અખબાર ધ મિરર માટે પોતાની કૉલમમાં લખ્યુ- ન્યૂઝીલેન્ડથી રવાના થયા બાદ એકવાર ફરીથી હૉટલના રૂમમાં ક્વૉરન્ટાઇનમાં રહેવુ, મને લાગ્યુ કે આઇપીએલમાં નહીં જઇ શકુ, પરંતુ હું અહીં છુ. આ તમામ વસ્તુઓ પર વિચાર કર્યો કે હું સારી જગ્યાએ છું.

ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે આગળ કહ્યું- ક્રાઇસ્ટચર્ચમાં પોતાના પિતા, માતા અને ભાઇને અલવિદા કહેવુ બહુજ મુશ્કેલ હતુ, એક પરિવાર તરીકે આવુ કહેવુ મારા માટે મુશ્કેલ સમય હતો. પરંતુ પરિવાર સાથે મે ફેંસલો કર્યો અને બાદમાં માતા-પિતાના પ્રેમ અને આશીર્વાદથી હુ આઇપીએલ રવાના યુએઇ રવાના થયો છું.

બેન સ્ટૉક્સે કહ્યું મારી ઉપર જવાબદારીઓ છે, તેને લઇને મારા પિતા હંમેશા સજાગ છે. તેમને મને કહ્યું મારી પાસે જે કામ છે તેને પુરુ કરવુ મારુ કર્તવ્ય છે, જોકે, એક પિતા અને પતિ તરીકે મારી પણ જવાબદારીઓ છે. આના પર વિચાર-વિમર્શ કર્યો અને પછી હું એ નિર્ણય પર પહોંચ્યો કે મારે હવે મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ.

ઉલ્લેખનીય છે કે ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ ઓગસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી સીરીઝને વચ્ચે છોડીને પોતાના પિતા પાસે ગયો હતો, બેન સ્ટૉક્સ ન્યૂઝીલેન્ડમાં કેન્સર પીડિત પિતા પાસે ગયો અને તેમની સાથે સમય વિતાવી રહ્યો હતો. હવે તે ક્રિકેટમાં વાપસી કરવા જઇ રહ્યો છે.