નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. તે કોરાના સંક્રમણથી મુક્ત થયા બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. તેની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબૂત થશે. 8 જુલાઈએ પંત કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો હતો. જે બાદ તેને આઈસોલેશનમાં રખાયો હતો. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સતત તેના પર દેખરેખ રાખી હતી.. પંતે ગ્રેટ બ્રિટનના નિયમ મુજબ 10 દિવસનો આઈસોલેશન પીરિયડ પૂરો કરી લીધો છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ શરૂ થતાં પહેલા તે ગુરુવારે ટીમમાં સામેલ થઈ ગયો છે.
કોરોના સંક્રમિત થયા બાદ સોમવારે તેનો ફરી રિપોર્ટ કરાયો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ ટીમ ઈન્ડિયાને ત્રણ સપ્તાહનો બ્રેક અપાયો હતો. આ દરમિયાન પંત કોવિડ-19નો શિકાર બન્યો હતો.
બીસીસીઆઈએ તેના નિવેદનમાં કહ્યું, પંતનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે ભારતીય ટીમમાં સામેલ થયો છે. તે મેડિકલ ટીમના સભ્ય, ભરત અરૂણ બોલિંગ કોચ, સિદ્ધીમાન સાહા અને અભિમન્યુ ઈશ્વરન તથા દયાનંદ ગરાનીની સંપર્કમાં આવ્યો હતો. આ તમામને પણ 10 દિવસ માટે ક્વોરન્ટાઈન કરાયા હતા.
ભારત-શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વન ડે
ભારત શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે રમાશે .ભારતની નજર શ્રીલંકાના વ્હાઇટ વોશ પર રહેશે. ભારત આજની વન ડેમાં બે ફેરફાર કરી શકે છે અને બે નવોદીત ખેલાડીને તક આપી શકે છે. ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશનના સ્થાને સંજુ સેમસન તથા યુઝવેંદ્ર ચહલના સ્થાને રાહુલ ચહરનો સમાવેશ થઈ શકે છે. ફાસ્ટ બોલિંગમાં કોઈ ફેરફાર થાય તેમ લાગતું નથી. તેને જોતા ગુજરાતી ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે.
સંભવિત પ્લેઈંગ ઈલેવન
શિખર ધવન, પૃથ્વી શો, સંજુ સેમસન, મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ