ODI World Cup 2027: રોહિત શર્માની શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયર હવે છેલ્લા પડાવ પર પહોંચતી હોય તેમ લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19 જુલાઈએ લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી ત્રીજી વનડે તેમના કરિયરની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે તેમને 2027 વનડે વર્લ્ડ કપની યોજનાઓમાંથી બહાર રાખવાનો નિર્ણય કરી લીધો છે. આવા સમયમાં સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આટલા મોટા મેચ વિનરને અચાનક ભવિષ્યની યોજનાઓમાંથી બહાર કેમ રાખવામાં આવી રહ્યા છે. આ પાછળના ત્રણ મુખ્ય કારણો સામે આવી રહ્યા છે.
ફિટનેસ બની સૌથી મોટી ચિંતા:
રોહિત શર્માના ભવિષ્ય પર સવાલો ઉભા થવાનું પહેલું અને સૌથી મહત્વનું કારણ તેમની ફિટનેસ છે. છેલ્લા એક વર્ષમાં તેમણે પોતાની ફિટનેસ પર ખૂબ જ મહેનત કરી અને વજન પણ ઘટાડ્યું, પરંતુ ઈજાઓએ તેમનો પીછો છોડ્યો નથી. IPL 2026 દરમિયાન તેઓ હેમસ્ટ્રિંગ ઈન્જરીનો શિકાર બન્યા હતા, જેના કારણે તેમને 5 મેચોમાંથી બહાર બેસવું પડ્યું હતું. ત્યારબાદ અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પહેલા પણ તેમની ફિટનેસને લઈને સતત ચર્ચાઓ થતી રહી. આવા સંજોગોમાં પસંદગીકારો માટે તેમની લાંબા સમયની ઉપલબ્ધતા ચિંતાનો વિષય બનેલી છે.
આ પણ વાંચો...IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
ફોર્મે પણ વધારી મુશ્કેલી:
ફિટનેસ ઉપરાંત રોહિત શર્માની તાજેતરની બેટિંગ પણ સવાલોના ઘેરામાં રહી છે. વર્ષ 2026 માં વનડે ક્રિકેટમાં તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. ઇંગ્લેન્ડ સામેની શરૂઆતની બંને વનડેમાં પણ તેઓ મોટી ઇનિંગ રમી શક્યા નથી. આ વર્ષે તેમણે 8 ઇનિંગ્સમાં માત્ર 241 રન બનાવ્યા છે અને તેમની એવરેજ 30.12 ની રહી છે. એટલું જ નહીં, કેપ્ટનશીપ છોડ્યા બાદ તેમના સ્ટ્રાઈક રેટમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. પહેલા તેઓ પાવરપ્લેમાં 120 થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા હતા, પરંતુ હવે આ આંકડો 90 થી પણ નીચે પહોંચી ગયો છે.
યુવા ખેલાડીઓએ વધારી ચેલેન્જ:
રોહિત શર્મા સામે ત્રીજો મોટો પડકાર ટીમ ઈન્ડિયા પાસે રહેલા યુવા વિકલ્પો છે. ઓપનિંગ માટે યશસ્વી જયસ્વાલે શાનદાર દાવેદારી રજૂ કરી છે. તેમણે માત્ર 6 વનડે મેચોમાં 2 સદી ફટકારી છે અને તેમની એવરેજ 70 થી વધુની છે. બીજી તરફ ઈશાન કિશન પણ વનડે ટીમમાં વાપસી કરી ચૂક્યો છે. તેમના નામે 45 થી વધુની એવરેજથી 1092 રન અને એક બેવડી સદી નોંધાયેલી છે. વિકેટકીપર બેટ્સમેન હોવાનો વધારાનો ફાયદો પણ તેમને પસંદગીની રેસમાં મજબૂત બનાવે છે. આવામાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ યુવાઓ પર ભરોસો મૂકવાના મૂડમાં દેખાઈ રહ્યું છે.
