રોહિત શર્માએ આ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં તે જ ઇનિંગ રમી હતી જેના માટે તે જાણીતો છે. રોહિતે 31 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ 3 સિક્સર સાથે રોહિતે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિત શર્મા હવે ODI ફોર્મેટમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે.
વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં આ 3 સિક્સર સાથે રોહિતે ઓસ્ટ્રેલિયા સામે ODI ફોર્મેટમાં કુલ 86 સિક્સર ફટકારી છે. ક્રિસ ગેઈલે ODI ફોર્મેટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 85 સિક્સર ફટકારી હતી.
રોહિતે સિક્સરના દિગ્ગજોને પાછળ છોડી દીધા
આ લિસ્ટમાં ક્રિસ ગેઈલની પાછળ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું નામ સામેલ છે, જેણે શ્રીલંકા સામે વનડે ફોર્મેટમાં 63 સિક્સર ફટકારી હતી. આ યાદીમાં ચોથા સ્થાન પર શ્રીલંકાના પૂર્વ ઓપનર બેટ્સમેન સનથ જયસૂર્યાનું નામ છે, જેણે પાકિસ્તાન વિરુદ્ધ વનડે ફોર્મેટમાં કુલ 53 છગ્ગા ફટકાર્યા હતા.
જો કે, રોહિત શર્માએ હવે ક્રિકેટના આ તમામ મહાન ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં કુલ 31 સિક્સર ફટકારી છે, જે વર્લ્ડ કપમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે.
આ સિવાય ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ રોહિત શર્માના નામે નોંધાયેલો છે. રોહિતે ODI વર્લ્ડ કપમાં કુલ 54 સિક્સર ફટકારી છે. આ લિસ્ટમાં તેની પાછળ ક્રિસ ગેઈલ છે, જેણે કુલ 49 સિક્સર ફટકારી હતી, જ્યારે ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલનું નામ છે, જેણે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 43 સિક્સર ફટકારી છે.
રોહિત શર્મા માટે આ વર્લ્ડ કપ ખૂબ જ યાદગાર રહ્યો છે. તેણે 11 મેચમાં 54.27ની સરેરાશ અને 125.94ના સ્ટ્રાઈક રેટથી 597 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 3 અડધી સદી સામેલ છે.
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરની રમત રમી હતી, જેમાં ટીમ ઇન્ડિયા 240 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, આ મેચમાં ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીએ 54 રન અને કેએલ રાહુલે 66 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. ખાસ વાત છે કે, આખી ઇનિંગ દરમિયાન ભારતીય ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. કાંગારુ કેપ્ટન પેટ કમિન્સે આઇસીસી વનડે વર્લ્ડકપની ફાઇનલ 2023માં ટૉસ જીતીને રોહિત એન્ડ કંપનીને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.