ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિ અંગે ચાલી રહેલી અટકળો પર પહેલીવાર ખુલ્લીને વાત કરી છે. જુલાઈ 2024 માં કોચ બન્યા બાદ ગંભીરના આગમન સાથે જ ટીમમાં મોટા ફેરફારો થયા હતા, અને 2025 ના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા અચાનક રોહિત-વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતા મોટો વિવાદ સર્જાયો હતો. ક્રિકેટ ચાહકો અને ટીકાકારો આ નિવૃત્તિ પાછળ ગંભીર અને બંને સિનિયર ખેલાડીઓ વચ્ચે બગડેલા સંબંધોને જવાબદાર ઠેરવી રહ્યા હતા. હવે આ મામલે મૌન તોડતા ગંભીરે કહ્યું છે કે એક કોચ તરીકે તેમના ઇરાદા હંમેશા સાચા રહ્યા છે અને ડ્રેસિંગ રૂમમાં પ્રામાણિકતા જાળવવી તેમના માટે સૌથી મહત્વની છે.
કોચ બન્યા બાદ શરૂ થયો હતો વિવાદ
જ્યારથી જુલાઈ 2024 માં ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી, ત્યારથી ટીમમાં અનેક ફેરફારોની શરૂઆત થઈ. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ફોર્મેટમાંથી તો પહેલેથી જ નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તેઓ ટેસ્ટ અને વનડે (ODI) રમી રહ્યા હતા. આ બધા વચ્ચે અચાનક 2025 ના ઈંગ્લેન્ડ પ્રવાસના માત્ર એક અઠવાડિયા પહેલા જ આ બંને દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું. આ ઘટના બાદ એવી અટકળો તેજ બની ગઈ કે ગંભીર અને આ બંને સિનિયર ખેલાડીઓ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું.
ગંભીરે તીખા સવાલનો આપ્યો આવો જવાબ
તાજેતરમાં જ 'રેવસ્પોર્ટ્ઝ કોન્ક્લેવ' (RevSportz Conclave) માં જ્યારે ગૌતમ ગંભીરને આ વિવાદ વિશે સીધો અને તીખો સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે પોતાનો બચાવ કરતા ખૂબ જ માપીને જવાબ આપ્યો. તેમને પૂછવામાં આવ્યું હતું કે, જ્યારે મીડિયામાં રોહિત અને વિરાટ સાથે તેમના બગડતા સંબંધોના અહેવાલો આવતા હતા, ત્યારે તેમના મનમાં શું ચાલતું હતું અને તેઓ આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરતા હતા?
"હું પણ માણસ છું, મારાથી પણ ભૂલો થઈ શકે"
આ સવાલના સીધા જવાબને બદલે ગંભીરે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "હું પણ એક સામાન્ય માણસ છું અને છેલ્લા 18 મહિનામાં મારાથી પણ ઘણી ભૂલો થઈ હશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, જો કોઈ નિર્ણય સારા ઇરાદા સાથે લેવામાં આવ્યો હોય અને તે ખોટો પડે તો તે સ્વીકારી શકાય, પરંતુ ખરાબ ઇરાદાથી લેવાયેલો નિર્ણય ક્યારેય સ્વીકારી શકાય નહીં.
કોચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી તેઓ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે પૂરી ઈમાનદારી અને પ્રામાણિકતા રાખશે, ત્યાં સુધી તેઓ કોઈપણ ખેલાડી સાથે રૂબરૂ આંખ મિલાવીને વાત કરી શકશે. ગંભીરનું દ્રઢપણે માનવું છે કે તેઓ કોચ તરીકે પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે.
