રોયલ ચેલેન્જર બેંગલુરુના ફાસ્ટ બોલર ક્રિકેટર યશ દયાલ પર વધુ એક યુવતીએ બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. ગાઝિયાબાદ પછી જયપુરમાં પણ યશ દયાલ સામે FIR નોંધવામાં આવી છે. યુવતીએ ક્રિકેટરમાં કરિયરની લાલચ આપીને બે વર્ષ સુધી તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે.
યુવતીની ફરિયાદ પર જયપુરમાં IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ફાસ્ટ બોલર યશ દયાલ સામે બળાત્કાર અને POCSO એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. યુવતીનો આરોપ છે કે યશ દયાલે ક્રિકેટમાં કારકિર્દીની લાલચ આપીને અને ઈમોશનલ બ્લેકમેઇલ કરીને બે વર્ષ સુધી તેની સાથે બળાત્કાર કર્યો હતો.
યશ દયાલ સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે
પીડિતાએ જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં યશ દયાલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. સાંગાનેર સદર SHO અનિલ જૈમનના જણાવ્યા અનુસાર, જયપુરની યુવતી ક્રિકેટ રમતી વખતે યશ દયાલના સંપર્કમાં આવી હતી.
યુવતીનો આરોપ છે કે તે બે વર્ષ પહેલા જયપુરમાં યશ દયાલને મળી હતી જ્યારે તે સગીર હતી. તે સમયે યશ દયાલ IPL મેચ રમવા માટે જયપુર આવ્યો હતો. આરોપ મુજબ, યશ દયાલે તેને ક્રિકેટમાં કારકિર્દી બનાવવાના બહાને હોટલમાં બોલાવી અને તેના પર બળાત્કાર કર્યો હતો.
સગીર છોકરી પર બે વર્ષથી બળાત્કારનો આરોપ
યુવતીનો આરોપ છે કે યશ દયાલ છેલ્લા બે વર્ષથી કારકિર્દી બનાવવાના બહાને તેનું જાતીય શોષણ કરી રહ્યો હતો. ઈમોશનલ બ્લેકમેઈલ અને સતત શોષણથી પરેશાન પીડિતાએ સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. આ મામલે SHO અનિલ જૈમને જણાવ્યું હતું કે ફરિયાદ મુજબ, IPL-2025 મેચ દરમિયાન જયપુર આવેલા યશ દયાલે પીડિતાને સીતાપુરાની એક હોટલમાં બોલાવી અને ફરીથી તેના પર બળાત્કાર કર્યો હતો.
POCSO એક્ટ હેઠળ FIR નોંધાઈ
SHO અનિલ જૈમને જણાવ્યું હતું કે છોકરી પર પહેલી વાર બળાત્કાર થયો હતો જ્યારે તે 17 વર્ષની સગીર હતી. આવી સ્થિતિમાં પોલીસે યશ દયાલ સામે POCSO એક્ટ હેઠળ FIR પણ નોંધી છે.
આ પહેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક યુવતીએ પણ યશ પર લગ્નના બહાને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, યશને તે કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી હતી. અહીં કેસ નોંધાયા બાદ જયપુર પોલીસે આ મામલે યશ દયાલ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.