નવી દિલ્હી: મહિલા પ્રીમિયર લીગ 2026ની 15મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ ખરાબ શરૂઆત બાદ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ. આ ટુર્નામેન્ટમાં 3 મેચમાં જેમિમાહનો ત્રીજો વિજય હતો જ્યારે RCBનો 6 મેચમાં પ્રથમ પરાજય થયો હતો. જોકે, હાર છતાં RCB પ્લેઓફમાં પહોંચી ગયું છે.

પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા RCBને દિલ્હી કેપિટલ્સ દ્વારા 20 ઓવરમાં માત્ર 109 રનમાં ઓલઆઉટ કરવામાં આવ્યું હતું. RCBની માત્ર ત્રણ ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી જેમાં કેપ્ટન સ્મૃતિ મંધાના 38 રન ફટકાર્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે નંદિની શર્માએ ત્રણ વિકેટ લીધી, જ્યારે મેરિઝાન કૈપ, ચિનેલ હેનરી અને મીનુ મણિએ બે-બે વિકેટ લીધી. શ્રી ચરણીએ એક વિકેટ લીધી હતી. 

નાના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 15.4 ઓવરમાં ત્રણ વિકેટે 111 રન બનાવ્યા હતા.  લૌરા વોલ્વાર્ડ 38 બોલમાં 42 રન બનાવી અણનમ રહી હતી. સયાલી સતઘરેએ પાવરપ્લેમાં ઓપનર શેફાલી વર્મા (8 બોલમાં 16) અને લિઝેલ લી (6) ને આઉટ કરીને દિલ્હીને  શરૂઆતનો ફટકો આપ્યો હતો.  જોકે, વોલ્વાર્ડ અને કેપ્ટન જેમિમાહ રોડ્રિગ્ઝ (24) એ 49  બોલમાં ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરીને ટીમને વિજયની નજીક પહોંચાડી હતી. વોલ્વાર્ડ અને મેરિઝાન કૈપ (19 અણનમ) એ પછી સરળતાથી વિજય અપાવ્યો હતો.  

આરસીબીની બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ ગઈ

ટોસ હાર્યા પછી આરસીબીને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેની શરૂઆત ધીમી રહી. ઓપનર ગ્રેસ હેરિસ (09) પ્રથમ આઉટ થઈ, જેને છઠ્ઠી ઓવરમાં મેરિઝાન કૈપ એ આઉટ કરી હતી આનાથી ટીમની તેની અને મંધાના વચ્ચેની સૌથી મોટી 36 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો.

મંધાનાએ 34 બોલની ઇનિંગમાં છ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. તે 10મી ઓવરમાં મીનુ મણિનો શિકાર બની હતી. ત્યારબાદ, ટીમે સતત વિકેટ ગુમાવી હતી. મંધાના ઉપરાંત, ફક્ત બે અન્ય ખેલાડીઓ બે આંકડા સુધી પહોંચી હતી. રાધા યાદવ (17 બોલમાં 18) અને જ્યોર્જિયા વોલ (11).