GT vs RR Scorecard: IPLમાં રવિવારે (16 એપ્રિલ) રાત્રે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં ક્યારેક ગુજરાતની ટીમનો દબદબો રહ્યો તો ક્યારેક રાજસ્થાનની પકડ મજબૂત રહી. છેલ્લે અહીં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો હતો. સંજૂ સેમસન અને હેટમાયરની શાનદાર ઈનિંગે રાજસ્થાનને 3 વિકેટથી જીત અપાવી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. રાજસ્થાનના બોલરોએ પાવરપ્લેમાં જબરદસ્ત બોલિંગ કરી હતી અને પ્રથમ 5 ઓવરમાં માત્ર 32 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રિદ્ધિમાન સાહા (4) પહેલી જ ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો, જ્યારે સાઈ સુદર્શન (20) રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
શુભમન અને મિલરની મજબૂત ઇનિંગ્સ
બે ઝડપી વિકેટ પડ્યા બાદ હાર્દિક પંડ્યા અને શુભમન ગીલે 59 રનની ઝડપી ભાગીદારી કરી હતી. હાર્દિક 19 બોલમાં 28 રન બનાવીને ચહલનો શિકાર બન્યો હતો. આ પછી શુભમન ગિલ પણ 121ના કુલ સ્કોર પર 45 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી ડેવિડ મિલરે 30 બોલમાં 46 અને અભિનવ મનોહરે 13 બોલમાં 27 રન ફટકારીને ગુજરાતનો સ્કોર 170 સુધી પહોંચાડ્યો હતો. ગુજરાતે નિર્ધારિત ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. અહીં રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ બે અને ચહલ, બોલ્ટ અને ઝમ્પાએ એક-એક વિકેટ લીધી હતી.
રાજસ્થાનની શરૂઆત પણ ખરાબ રહી હતી
178 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રાજસ્થાને પ્રથમ 17 બોલમાં માત્ર 4 રનના કુલ સ્કોર પર પોતાની ઓપનિંગ જોડી ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ (1) અને જોસ બટલર (0) સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા. અહીંથી દેવદત્ત પડીકલ અને સંજુ સેમસને ઇનિંગ્સ સંભાળી હતી. પડીકલ 26 રન બનાવીને રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. તેના પછી રિયાન પરાગ (5) પણ આઉટ થઈ ગયો હતો.
સેમસન અને હેટમાયરે જીત અપાવી
સંજુ સેમસન અને શિમરોન હેટમાયર 27 બોલમાં 59 રન ઉમેરીને રાજસ્થાનને વાપસી કરાવી હતી. અહીં સેમસન 32 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ધ્રુવ જુરેલે 10 બોલમાં 18 રન બનાવ્યા અને આર અશ્વિને 3 બોલમાં 10 રનની ટૂંકી પરંતુ મહત્વની ઇનિંગ રમી. છેલ્લે શિમરોન હેટમાયરે રાજસ્થાનને જીત અપાવી હતી. તેણે 26 બોલમાં 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાજસ્થાને ચાર બોલ બાકી રહેતાં 3 વિકેટે મેચ જીતી લીધી હતી. ગુજરાત તરફથી શમીએ ત્રણ, રાશિદે બે અને હાર્દિક પંડ્યા અને નૂર અહેમદે એક-એક વિકેટ લીધી હતી. રાજસ્થાનની ટીમ હવે 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.