Ranji Trophy 2024: રણજી ટ્રોફી 2023-2024ની ફાઇનલ મેચ 10 માર્ચથી શરૂ થઈ છે, જેમાં મુંબઈ અને વિદર્ભ આમને-સામને છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં વિદર્ભે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હર્ષ દુબે અને યશ ઠાકુરની ઘાતક બોલિંગને કારણે વિદર્ભે પ્રથમ દિવસે મુંબઈને 224 રનમાં આઉટ કરી દીધું હતું. તો બીજી તરફ પ્રથમ દિવસની રમતના અંતે વિદર્ભે 31 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. સચિન પોતે મુંબઈ તરફથી રમી ચૂક્યો છે અને હવે તેણે ફાઈનલ મેચને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.


 






મુંબઈના ખરાબ પ્રદર્શન પર સચિન તેંડુલકર ગુસ્સે 


સચિન તેંડુલકરે રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઈના સામાન્ય પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા X પર લખ્યું કે, મને ખબર છે કે જેમ-જેમ મેચ આગળ વધશે તેમ-તેમ ઘણા રોમાંચક સત્રો આવશે. પીચ પર ઘાસ છે પણ સમયની સાથે સ્પિન બોલરોને ટર્ન મળવા લાગશે. વિદર્ભ ટીમ મુંબઈ સામે જે રીતે રમી રહી છે તેનાથી ખુશ હશે. ઓપનરોની સારી શરૂઆત બાદ મુંબઈનો મિડલ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. નિષ્ફળ જનારાઓમાં અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયર પણ સામેલ હતા. આ પહેલા વિદર્ભે ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.


શાર્દુલ ઠાકુરે મુંબઈની લાજ બચાવી 


શાર્દુલ ઠાકુર રણજી ટ્રોફીમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. એક સમયે, મુંબઈએ 111 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી, જ્યાંથી એવું લાગતું હતું કે ટીમ 200 રનના આંકડાને પણ સ્પર્શ કરી શકશે નહીં. અહીંથી શાર્દુલ ઠાકુરે 69 બોલમાં 75 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા પણ સામેલ હતા. શાર્દુલની આ ઇનિંગના કારણે મુંબઈ 224ના સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં શાર્દુલે 5 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ પણ લીધી હતી.