ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની રોમાંચક સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ઓપનર સંજુ સેમસને ધમાકેદાર બેટિંગ કરીને 18 મી મેચમાં શાનદાર સદી ફટકારી દીધી છે. શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં તેણે મેદાનની ચારે તરફ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને માત્ર 52 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી. આ સાથે જ તે IPL 2026 ની સિઝનમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની આ વિસ્ફોટક ઈનિંગની મદદથી ચેન્નાઈએ મોટો સ્કોર તો ઊભો કર્યો જ, પરંતુ સાથે-સાથે સંજુએ CSK માટે વિકેટકીપર તરીકે સૌથી મોટી ઇનિંગ રમવાનો મહેન્દ્ર સિંહ ધોનીનો વર્ષો જૂનો ઐતિહાસિક રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

ધોનીનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો

આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી CSK માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ કેપ્ટન કૂલ એમ.એસ. ધોનીના નામે હતો. ધોનીએ વિકેટકીપર તરીકે 84 રનની સર્વોચ્ચ ઈનિંગ રમી હતી. પરંતુ હવે શાનદાર સદી ફટકારીને સંજુ સેમસને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જોકે, એ વાત નોંધવી રહી કે ધોની મોટાભાગે મિડલ કે લોઅર ઓર્ડરમાં બેટિંગ કરવા આવે છે, જ્યારે સંજુ ટોપ-ઓર્ડરમાં રમે છે. સંજુ આ સિઝનમાં પહેલીવાર જ CSK ફ્રેન્ચાઈઝી તરફથી રમી રહ્યો છે અને પોતાની ડેબ્યૂ સિઝનમાં જ તેણે આ મોટો રેકોર્ડ બનાવી દીધો છે.

Continues below advertisement
Continues below advertisement

IPL 2026 ની પહેલી અને કરિયરની સૌથી ઝડપી સદી

આ માત્ર સિઝનની પહેલી જ સદી નથી, પણ સંજુના IPL કરિયરની સૌથી ઝડપી સદી પણ છે. તેણે માત્ર 52 બોલમાં જ આ સિદ્ધિ મેળવી લીધી. આ અગાઉ તેની સૌથી ઝડપી સદી 54 બોલમાં આવી હતી, જે તેણે 2019 ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા પંજાબ કિંગ્સ સામે ફટકારી હતી. નોંધનીય છે કે, સંજુની આ સદી પહેલા આ સિઝનનો સૌથી વધુ સ્કોર દિલ્હી કેપિટલ્સના કે.એલ. રાહુલ (92 રન) અને સમીર રિઝવી (90 રન) ના નામે હતો, જેને પછાડીને સંજુએ નંબર 1 નું સ્થાન મેળવી લીધું છે.

આઈપીએલ કરિયરમાં 4 થી સદી સાથે દિગ્ગજોની બરાબરી

આ સંજુ સેમસનની આઈપીએલ કરિયરની 4 થી સદી છે. આ શાનદાર સદી સાથે તેણે શુભમન ગિલ અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજ ખેલાડીઓની બરાબરી કરી લીધી છે, જેમના નામે પણ ટૂર્નામેન્ટમાં 4 સદી નોંધાયેલી છે.

આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારનાર ટોપ ખેલાડીઓ:

વિરાટ કોહલી: 8 સદી (સૌથી વધુ)

જોસ બટલર: 7 સદી

ક્રિસ ગેલ: 6 સદી

કે.એલ. રાહુલ: 5 સદી

સંજુ સેમસન / શુભમન ગિલ / ડેવિડ વોર્નર: 4 સદી