Team India: સંજુ સેમસને ટી20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. વર્લ્ડ કપમાં માત્ર 5 મેચ રમનાર સંજુને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી (પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ) પસંદ કરવામાં આવ્યો હતો. સાંસદ શશિ થરુર તેની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેમણે જણાવ્યું કે એકવાર ગૌતમ ગંભીરે તેમને કહ્યું હતું કે સંજુને આગામી એમએસ ધોની બનવાની જરૂર નથી, કારણ કે તે એકમાત્ર સંજુ જ રહેશે. પીટીઆઈ (PTI) સાથેની વાતચીતમાં શશિ થરુરે જણાવ્યું કે તેઓ 2009માં સંજુને પહેલીવાર મળ્યા હતા, ત્યારે તેમણે પોતે સંજુને કહ્યું હતું કે તે આગામી ધોની બનશે.

શશિ થરુરે જણાવ્યું કે, 'હું સંજુ સેમસનને મળ્યો હતો જ્યારે તે 14 વર્ષનો હતો, ત્યારે તે યુવા ક્લબ ક્રિકેટર હતો. એક નાનકડો બાળક, જેનું સ્મિત મોટું હતું. તે દેખાવમાં પાતળો હતો, પરંતુ મજબૂત હતો. તેનામાં ટેલેન્ટ હતું, ત્યારથી તે બેટિંગ અને વિકેટકીપિંગ બંને કરી રહ્યો છે.' તેમણે જણાવ્યું કે મેં તેને મોટા ભાઈની શૈલીમાં કહ્યું હતું કે તે આગામી એમએસ ધોની બનશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, "જ્યારે મેં વર્ષો પછી તે વાત યાદ કરી તો મારા મિત્ર ગૌતમ ગંભીરે મને કહ્યું, 'ના, ના, તેને આગામી ધોની બનવાની જરૂર નથી, તે એકમાત્ર સંજુ જ રહેશે.' તે અત્યારે તેવો જ બની રહ્યો છે." સંજુ સેમસન ટી20 વર્લ્ડ કપ 2026માં માત્ર 5 મેચ રમ્યા બાદ ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, તેણે 5 મેચમાં 321 રન બનાવ્યા હતા. તે ભારતનો લીડિંગ રન સ્કોરર રહ્યો, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' પસંદ કરવામાં આવ્યો.

Continues below advertisement
Continues below advertisement

શશિ થરુરે સંજુ સેમસન દ્વારા ટી20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મહત્વની ઈનિંગ વિશે કહ્યું, "વેસ્ટ ઈન્ડિઝ સામે જેવી તેણે બેટિંગ શરૂ કરી, તેની આંખોમાં જોઈને મેં ત્યારે જ કહી દીધું હતું કે આ છોકરો આજે આઉટ થવાનો નથી. તમે તેની આંખોમાં જોઈ શકતા હતા, તેના ચહેરા પર શાંતિ જોઈ શકતા હતા. ત્યારબાદ સંજુએ 97 રન બનાવ્યા અને નોટ આઉટ રહ્યો."

સંજુ સેમસને ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલ અને ન્યુઝીલેન્ડ સામે ફાઈનલમાં 89-89 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. તે ઈનિંગ્સનો ઉલ્લેખ કરતા શશિ થરુરે કહ્યું, "તે બંને મેચમાં તેણે નિઃસ્વાર્થ ભાવે રમતા પોતાની વિકેટ ગુમાવી દીધી, નહીંતર તે પોતાની સદી પૂરી કરવા માટે સંભાળીને રમી શક્યો હોત. તેણે મોટા શોટ્સ મારવાનો જ પ્રયાસ કર્યો, કારણ કે તેને લાગ્યું કે ટીમને રનની જરૂર છે."

શશિ થરુરે કહ્યું કે ઘણીવાર સંજુ સેમસન સાથે અન્યાય થયો. જોકે તેમણે સ્વીકાર્યું કે કેટલીકવાર તેને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય સાચો પણ હતો, કારણ કે તે પ્રદર્શન કરી શકતો ન હતો. તેમણે કહ્યું કે ઘણી વખત તેનું નસીબ તેની સાથે નહોતું.