રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાને ખૂબ જ શાનદાર બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચની પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકાર્યા બાદ બીજી ઈનિંગમાં પણ સરફરાઝનું બેટ જોરદાર ચાલ્યું હતું. આ યુવા બેટ્સમેને ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 50+ સ્કોર કરીને એક ખાસ સિદ્ધિ મેળવી હતી.


ખરેખર, સરફરાઝ ખાન પોતાની ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 50 કે તેથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. સરફરાઝે પ્રથમ દાવમાં 62 રન બનાવ્યા હતા. તેણે બીજા દાવમાં પણ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું અને અડધી સદી ફટકારી 68 રનની અણનમ ઇનિંગ રમી. ભારત માટે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 50+ રન બનાવવાની પ્રથમ સિદ્ધિ દિલાવર હુસૈને 1934માં કરી હતી. તેણે ઈંગ્લેન્ડ સામેની તેની ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અનુક્રમે 59 અને 57 રન બનાવ્યા હતા.


બીજા નંબરે મહાન સુનીલ ગાવસ્કર છે. તેણે 1971માં પોર્ટ ઓફ સ્પેન ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી, જેમાં 65 અને 67* રન બનાવ્યા. આ યાદીમાં ત્રીજા સ્થાન પર શ્રેયસ અય્યરનું નામ છે, જેણે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ ટેસ્ટમાં 105 અને 65 રનની ઇનિંગ રમી હતી. હવે આ મહાન ખેલાડીઓની યાદીમાં સરફરાઝ ખાનનું નામ પણ જોડાઈ ગયું છે.


તમને જણાવી દઈએ કે સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઈનિંગમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 72 બોલનો સામનો કર્યો, જેમાં તે 6 ફોર અને 3 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો. સરફરાઝની બેટિંગે બધાને ખૂબ પ્રભાવિત કર્યા. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જે રીતે બેટિંગ કરી તેનાથી દરેક લોકો પ્રભાવિત છે. પોતાની મજબૂત બેટિંગથી આ યુવા ખેલાડીએ ભવિષ્યની મેચો માટે પણ પોતાનું સ્થાન બચાવવાનો દાવો કર્યો છે.


રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે બીજી ઈનિંગ 4 વિકેટના નુકસાન પર 430 રન બનાવી ડિકલેર કરી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 126 રનની લીડ લીધી હતી. જેના કારણે ઈંગ્લેન્ડને જીતવા 557 રનનો ટાર્ગેટ મળ્યો હતો. યશસ્વી જયસ્વાલ 14 ચોગ્ગા અને 12 છગ્ગા સાથે 214 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. સરફરાઝ ખાન પણ 68 રન બનાવી અણનમ રહ્યો હતો. શુભમન ગિલ 91 રન બનાવી રન આઉટ થયો હતો. ગિલના ટેસ્ટ કરિયરનું આ પ્રથમ રનઆઉટ છે. શાનદાર લયમાં બેટિંગ કરી રહેલ ગિલ આ રનઆઉટ બાદ રડી પડ્યો હતો.