Most Wickets in ODI Debut: સ્કોટલેન્ડના ચાર્લી કેસેલએ (Charlie Cassell) વનડે ડેબ્યૂ મેચમાં (ODI Debut Match) સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે. તેણે 22 જુલાઈના રોજ ઓમાન (Oman) સામેની મેચમાં તેની ODI ડેબ્યૂ કરી હતી અને કુલ 7 વિકેટ લીધી હતી. આ સ્કોટિશ ખેલાડીએ કાગીસો રબાડા (Rabada) અને ફિડલ એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે પોતપોતાની ડેબ્યૂ મેચમાં 6 વિકેટ લીધી હતી. ચાર્લીના આ ઐતિહાસિક પ્રદર્શનને કારણે સ્કોટલેન્ડે 196 બોલ બાકી રહેતા ઓમાનને 8 વિકેટે હરાવ્યું હતું.


5.4 ઓવરમાં 7 વિકેટ


ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 માં સ્કોટલેન્ડનો સામનો ઓમાન સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓમાનની ટીમ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન ચાર્લી કેસેલ ઈતિહાસ રચવા માટે તૈયાર હતો અને મિડલ ઓર્ડર બેટ્સમેન ઝીશાન મકસૂદને તેનો પ્રથમ શિકાર બનાવ્યો હતો. મકસૂદ 12મી ઓવરમાં આઉટ થયો હતો અને તે જ ઓવરમાં તેણે અયાન ખાન અને ખાલિદ કૈલની વિકેટ પણ લીધી હતી.






જો કે કેસેલ હેટ્રિક ચૂકી ગયો, તેણે તેના સ્પેલના પ્રથમ 9 બોલમાં કોઈ રન આપ્યા વિના 4 વિકેટ લીધી. તેણે મેચમાં કુલ 5.4 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 21 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. આ સાથે સ્કોટલેન્ડનો કેસેલ પોતાની વનડે ડેબ્યૂમાં 7 વિકેટ લેનારો વિશ્વનો એકમાત્ર બોલર બની ગયો છે. તેમની પહેલાં, ફિડેલ એડવર્ડ્સ અને કાગિસો રબાડાએ અનુક્રમે 2003 અને 2015માં તેમની ODI ડેબ્યૂ મેચમાં 6 વિકેટ લીધી હતી.


ચાર્લી કેસેલ ટીમમાં નહોતો


ચાર્લી કેસેલનો રેકોર્ડ પણ યાદગાર છે કારણ કે લીગની શરૂઆત પહેલા તેને સ્કોટલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. આ દરમિયાન ફાસ્ટ બોલર ક્રિસ સોલે અંગત કારણોસર શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેના સ્થાને ચાર્લી કેસેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેને તેની ડેબ્યૂ કેપ સ્કોટલેન્ડના કેપ્ટન રિચી બેરિંગ્ટન દ્વારા આપવામાં આવી હતી.