IND VS PAK: ભારત સામેની શરમજનક હાર બાદ શાહિદ આફ્રિદીએ પોતાના જ જમાઈને લીધો આડેહાથ, કહ્યું- આ લોકોને બહાર કરો
T20 World Cup 2026: ભારત સામેની ભારે હાર બાદ શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ટીમના સિનિયર ખેલાડીઓ પર સવાલ ઉઠાવ્યા, બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાનને બેન્ચ પર બેસાડવાની હાકલ કરી.

T20 World Cup 2026: ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો રોષ જોવા મળ્યો છે. તેમણે ટીમના સિનિયર ખેલાડીઓ પર નિશાન સાધતા મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે હવે આ સિનિયર ખેલાડીઓની જગ્યાએ યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ.
શાહીન, બાબર અને શાદાબ પર ભડક્યો આફ્રિદી
એક પાકિસ્તાની ન્યૂઝ શોમાં વાત કરતા આફ્રિદીએ કહ્યું, "જો નિર્ણય મારા હાથમાં હોત, તો હું બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાન જેવા ખેલાડીઓને આગામી મેચોમાંથી બહાર બેસાડી દેત. હવે યુવા ખેલાડીઓને તક આપવી જરૂરી છે. નામિબિયા જેવી ટીમો સામે પણ હું નવા ખેલાડીઓ પર જ ભરોસો રાખીશ અને તેમને સતત રમાડીને આત્મવિશ્વાસ આપીશ."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આપણે આ ખેલાડીઓને લાંબા સમયથી જોઈ રહ્યા છીએ. તેમને વારંવાર તકો મળતી રહે છે અને દર વખતે આપણે આશા રાખીએ છીએ કે તેઓ સારું પ્રદર્શન કરશે. આ સિનિયર ખેલાડીઓ છે, પરંતુ જો તેઓ તમારા માટે પ્રદર્શન નથી કરી શકતા, તો પછી બેન્ચ પર બેઠેલા યુવાનોને તક કેમ ન આપવી? આખરે ફરક શું છે?"
સિનિયર ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન હારનું કારણ
કોલંબોમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર ભારત સામે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા તેઓ માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બીજી તરફ, ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પણ પોતાની બોલિંગથી પ્રભાવ પાડી શક્યો નહીં અને બે ઓવરમાં 31 રન લુટાવ્યા હતા.
ઓલરાઉન્ડર શાદાબ ખાનનું પ્રદર્શન પણ નબળું રહ્યું હતું. બોલિંગમાં તેણે એક ઓવરમાં 17 રન આપ્યા, જ્યારે બેટિંગમાં પણ તે ટીમને સંભાળી શક્યો નહીં. સિનિયર ખેલાડીઓનું આ નબળું પ્રદર્શન પાકિસ્તાનની હારનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
ભારતે જાળવી રાખ્યું વર્ચસ્વ
કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે શાનદાર રમત બતાવીને પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું છે. આ જીત સાથે જ ટી-20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને સુપર-8 માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.




















