ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયરની તબિયત હવે સુધરા પર છે. મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જણાવ્યું કે આ સ્ટાર બેટ્સમેનની તબિયત હવે સ્થિર છે અને તે તબીબી દેખરેખ હેઠળ છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી અને ત્યારબાદ તેને સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
શ્રયસની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે
BCCI દ્વારા જારી કરાયેલા બીજા મેડિકલ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, "શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે (25 ઓક્ટોબર) દરમિયાન પેટમાં જોરદાર ઈજા થઈ હતી. તેની ડાબી પાંસળીમાં ઈજા થઈ. ફિલ્ડિંગ કર્યા પછી જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો ત્યારે તેને દુખાવો થયો અને શ્વાસ લેવામાં તકલીફ થતા સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોના રિપોર્ટમાં ઈન્ટરનલ બ્લીડિંગ જોવા મળ્યુ હતું. જેના કારણે તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં, શ્રેયસ ઐયરની તબિયત સ્થિર છે અને તે તબીબી નિરીક્ષણ હેઠળ છે."
BCCI એ વધુમાં જણાવ્યું હતું કે, "આજે, મંગળવારે બીજી વખત હાથ ધરવામાં આવેલા રિસ્પોન્સ સ્કેનથી તેના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે." BCCI મેડિકલ ટીમ, સિડની અને ભારતના નિષ્ણાત ડોકટરો સાથે પરામર્શ કરીને તેની સ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે. શ્રેયસ હવે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.
શ્રેયસ અય્યર કેવી રીતે ઈજાગ્રસ્ત થયો?
આ ઘટના ત્યારે બની જ્યારે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન એલેક્સ કેરીએ હર્ષિત રાણાના બોલ પર ઊંચો શોટ માર્યો. બેકવર્ડ પોઈન્ટ પર ઊભેલા ઐયરે ઝડપથી દોડીને સફળતાપૂર્વક કેચ પકડ્યો, પરંતુ જમીન પર પડતાં તેની ડાબી પાંસળીમાં ગંભીર ઈજા થઈ. ત્યારબાદ તેને મેદાન છોડી દેવાની ફરજ પડી.તેના સ્વાસ્થ્યમાં સુધારના આધાર પર તેને બે થી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે કારણ કે રક્તસ્રાવને કારણે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે આ જરૂરી છે.