India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી ગૉલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 2 મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTC 2025-27 ના દ્રષ્ટિકોણથી આ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ પ્રથમ મેચ પહેલાં કેપ્ટન શુભમન ગિલ અને ટીમ મેનેજમેન્ટ સામે પ્લેઈંગ ઈલેવનને લઈને કેટલાક મુશ્કેલ પ્રશ્નો ઊભા થયા છે. ઈજાઓ અને ખેલાડીઓની ઉપલબ્ધતાએ 11 ખેલાડીઓની પસંદગીને વધુ જટિલ બનાવી દીધી છે. ભારતીય ટીમ શ્રીલંકા પહોંચી ચૂકી છે અને પ્રથમ ટેસ્ટ પહેલાં 3 દિવસીય પ્રેક્ટિસ મેચ પણ રમશે. જોકે, ટીમની તૈયારીઓને જસપ્રીત બુમરાહ અને વોશિંગ્ટન સુંદરની ઈજાએ પ્રભાવિત કરી છે, જેથી ગિલ સામે પ્લેઈંગ ઈલેવન ગોઠવવી મોટો પડકાર બની રહેશે.

Continues below advertisement

 

Continues below advertisement

ભારત માટે સૌથી મોટી ચિંતા નંબર 3 ના બેટિંગ ઓર્ડરને લઈને છે. યુવા બેટ્સમેન સાઈ સુદર્શન હજુ પૂર્ણપણે ફિટ નથી અને બેંગલુરુ સ્થિત BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબ હેઠળ છે. જોકે, એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં બેટિંગ શરૂ કરશે અને પ્રેક્ટિસ મેચ પહેલાં ટીમ સાથે જોડાઈ શકે છે, પરંતુ પ્રથમ ટેસ્ટમાં તેનું રમવું હજુ નક્કી નથી. જો સુદર્શન સમયસર ફિટ નહીં થાય તો ટીમ સામે દેવદત્ત પડિક્કલ અને ધ્રુવ જુરેલમાંથી કોઈ એકની પસંદગી કરવાનો પડકાર રહેશે. પડિક્કલ ટોપ ઓર્ડર સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન છે, જ્યારે જુરેલે ટેસ્ટ ક્રિકેટમાં મળેલા મોકા પર પ્રભાવિત કર્યા છે. જેથી નંબર 3 પર કોને તક મળે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો...Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?

ફાસ્ટ બોલિંગ યુનિટમાં સૌથી મોટો સવાલ જસપ્રીત બુમરાહના સ્થાનને લઈને છે. ઈજાના કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થઈ ગયેલા બુમરાહની ગેરહાજરી ભારત માટે મોટો આંચકો છે. ફાસ્ટ એટેકની આગેવાની મહોમ્મદ સિરાજ કરશે, પરંતુ નવા બોલના તેના જોડીદારને લઈને ચિત્ર સ્પષ્ટ નથી. અનુભવના આધારે પ્રસિદ્ધ ક્રિષ્ના સૌથી મજબૂત દાવેદાર મનાઈ રહ્યો છે, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ પહેલીવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવનાર આકિબ નબી પણ આ રેસમાં સામેલ છે. બીજી તરફ અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ટેસ્ટ ટીમમાં વાપસી લગભગ નક્કી છે. ગૉલની સ્પિનર-ફ્રેન્ડલી પીચને જોતાં ભારત 3 સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે, જેમાં કુલદીપ યાદવ બીજા સ્પિનર તરીકે સૌથી આગળ દેખાઈ રહ્યો છે. સાથોસાથ માનવ સુથાર અને સારાંશ જૈને પણ સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), યશસ્વી જેસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મહોમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન, આકિબ નબી.