ભારતના વાઈસ કેપ્ટન શુભમન ગિલ હાલમાં ખરાબ ફોર્મમાં છે. તેને પગના અંગૂઠામાં ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી બહાર કરવામાં આવ્યો છે. ટીમના નજીકના સૂત્રોએ PTI ને આ જાણકારી આપી હતી. એવું માનવામાં આવે છે કે ગિલને ટ્રેનિંગ દરમિયાન ઈજા થઈ હતી અને તેના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ નામ ન આપવાની શરતે PTI ને જણાવ્યું, "શુભમન ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચના એક દિવસ પહેલા નેટમાં બેટિંગ સત્રમાં ભાગ લીધો હતો. સત્રના અંતમાં તેને તેના અંગૂઠામાં ઈજા થઈ હતી. બુધવારે રમવું તેના માટે મુશ્કેલ હોત તેથી તે ટીમ સાથે આવ્યો ન હતો કારણ કે તેની મેચમાં રમવાની શક્યતા ખૂબ જ ઓછી હતી." તેમણે કહ્યું હતુ કે, "અત્યારે કહેવું મુશ્કેલ છે કે તે અમદાવાદમાં રમશે કે નહીં."
ન્યૂઝીલેન્ડ સામેની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતની છેલ્લી શ્રેણી છે અને તે દ્વિપક્ષીય શ્રેણી અને વર્લ્ડ કપ બંને માટે ટીમ સમાન રહેવાની અપેક્ષા છે, તેથી રાષ્ટ્રીય પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ તેમના ટોચના ક્રમમાં નિષ્ણાત બેટ્સમેન અંગે તમામ જરૂરી સાવચેતી રાખવા માંગશે. ગિલને કોલકાતામાં પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ગરદનની ઇજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ અને વન-ડે સીરિઝમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને બે દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તે ગુવાહાટી ટેસ્ટ અને ત્યારબાદની વન-ડે સીરિઝ પણ ચૂકી ગયો હતો.
સેન્ટર ઓફ એક્સેલન્સે ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી પહેલા તેને ફિટ જાહેર કર્યો હતો, જોકે ટીકાકારોએ ગયા સીઝનમાં ત્રણ સદી ફટકારનારા સંજુ સેમસન પહેલા ટીમમાં તેના સ્થાન પર સવાલ ઉઠાવ્યા હતા. સીઝનમાં ગિલનું પ્રદર્શન નબળું રહ્યું છે. તેણે ચાર અને શૂન્ય રન બનાવ્યા હતા. ત્યારબાદ ધર્મશાલામાં ત્રીજી મેચમાં તેણે 28 રન બનાવ્યા, પરંતુ ત્યાં પણ તે પોતાના ફોર્મમાં જોવા મળ્યો નહોતો. જોકે, ગૌતમ ગંભીરના નેતૃત્વમાં સમગ્ર કોચિંગ સ્ટાફે તેમના સ્ટાર બેટ્સમેનને આગામી વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવા માટે જોરદાર સમર્થન આપ્યું છે.