શુભમન ગિલે ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી વનડેમાં  શાનદાર સદી ફટકારી હતી. ગિલે 92 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની સદીમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પહેલા શુભમન ગિલે મોહાલીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 63 બોલમાં 74 રન બનાવ્યા હતા. જો કે તે વખતે ગિલ સદી ચૂકી ગયો હતો. પરંતુ આજે તેણે તેની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. શુભમન ગિલે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારતાની સાથે જ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આવો વિગતવાર જાણીએ આ રેકોર્ડ વિશે. 
 
શુભમન ગિલે આ સિદ્ધી હાંસલ કરી 

શુભમન ગિલે તેની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. તે ઈન્દોરમાં બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેણે આ મામલે સેહવાગ, યુવરાજ, રોહિત શર્મા અને શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધા છે. ચારેયની પાસે એક-એક સદી છે. શુભમને આ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે આ મેદાન પર પોતાની પ્રથમ સદી ફટકારી હતી.

આ વર્ષે શુભમન ગિલની આ પાંચમી સદી છે

આ વર્ષે વનડેમાં શુભમનની આ પાંચમી સદી છે. એક કેલેન્ડર વર્ષમાં પાંચ કે તેથી વધુ ODI સદી ફટકારનાર તે સાતમો ભારતીય બેટ્સમેન બન્યો. વિરાટ કોહલીએ આ સૌથી વધુ ચાર વખત કર્યું છે. તેણે 2012, 2017, 2018 અને 2019માં વનડેમાં પાંચ કે તેથી વધુ સદી ફટકારી હતી. 

ગિલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અત્યાર સુધી આવી રહી છે

ગિલ એવો ખેલાડી છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધીમાં તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 18 ટેસ્ટ, 35 વનડે અને 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 33 ઇનિંગ્સમાં તેણે 32.2ની એવરેજથી 966 રન બનાવ્યા છે, જેમાં તેણે 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. વનડેમાં તેણે 1900 રનનો આંકડો પાર કર્યો છે. આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં ગિલે 11 ઈનિંગ્સમાં 30.4ની એવરેજ અને 146.86ના સ્ટ્રાઈક રેટથી 304 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 1 અડધી સદી સામેલ છે. ગિલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર બેટ્સમેન છે. 

એક કેલેન્ડર વર્ષમાં પાંચ કે તેથી વધુ ODI સદી ફટકારનાર ભારતીયો 

 

બેટ્સમેન  કેલેન્ડર વર્ષ
વિરાટ કોહલી 2012, 2017, 2018, 2019
રોહિત શર્મા 2017, 2018, 2019
સચિન તેંડુલકર 1996, 1998
રાહુલ દ્રવિડ 1999
સૌરવ ગાંગુલી 2000
શિખર ધવન 2013
શુભમન ગિલ

2023