Smriti Mandhana Most ODI Centuries Womens Cricket: સ્મૃતિ મંધાનાએ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે હવે ભારતીય મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ODI સદી ફટકારનાર ક્રિકેટર બની ગઈ છે. તેણે મહાન બેટ્સમેન મિતાલી રાજને પાછળ છોડીને આ રેકોર્ડ બનાવ્યો છે. સ્મૃતિએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં 100 રનની ઇનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને શ્રેણી 2-1થી જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
ODI મેચોમાં સ્મૃતિ મંધાનાની કારકિર્દીની આ આઠમી સદી હતી. સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં હવે માત્ર 6 ખેલાડી જ તેનાથી આગળ છે. સ્મૃતિ પહેલા, આ ભારતીય રેકોર્ડ મિતાલી રાજના નામે હતો, જેણે પોતાની 232 મેચોની વિશાળ કારકિર્દીમાં કુલ સાત સદી ફટકારી હતી. મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ખેલાડી મેગ લૈનિંગના નામે છે, જેણે પોતાની શાનદાર કારકિર્દીમાં 15 સદી ફટકારી હતી. લૈનિંગ 2023માં નિવૃત્તી લીધી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાની આ 10મી સદી હતી કારણ કે તેણીએ 7 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં બે સદીની ઇનિંગ્સ રમી છે. ODI ક્રિકેટમાં, સ્મૃતિ મંધાનાએ અત્યાર સુધી 88 મેચોમાં 3,690 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 8 સદી અને 27 અડધી સદી પણ છે.
સ્મૃતિ મંધાનાના અન્ય રેકોર્ડ
સ્મૃતિ મંધાના આ પહેલા ભારત માટે સૌથી ઝડપી 2,000 ODI રન બનાવનારી ખેલાડી છે. તેણે આ રેકોર્ડ 51 ઇનિંગ્સમાં બનાવ્યો અને સૌથી ઝડપી 3000 રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે. મંધાનાએ 76 ઇનિંગ્સમાં ત્રણ હજાર રનનો આંકડો પાર કર્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 8,000 રન બનાવવાથી માત્ર 113 રન દૂર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ક્રિકેટર મિતાલી રાજ છે, જેણે તેની કારકિર્દીમાં ત્રણેય ફોર્મેટમાં કુલ 10,868 રન બનાવ્યા છે.
ભારતે ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતીય મહિલાઓએ ત્રણ મેચની વનડે સીરીઝ 2-1થી જીતી લીધી છે. અમદાવાદમાં રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ રમતા 232 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 34 બોલ બાકી રહેતા મેચ અને સિરીઝ બંને જીતી લીધી હતી.
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો