Women's World Cup Semi Final: પ્રથમવાર વન-ડે વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચી સાઉથ આફ્રિકા, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
Women's World Cup Semi Final: 2025 મહિલા વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 125 રનથી હરાવ્યું હતું.

Women's World Cup Semi Final: ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ACA સ્ટેડિયમ ખાતે 2025 મહિલા વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 125 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 319 રન બનાવ્યા હતા જેમાં કેપ્ટન લૌરા વોલ્વાર્ડ (169) એ ટીમ માટે સૌથી વધુ રન કર્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડ 194 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. મેરિઝાન કાપે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 7 ઓવરના સ્પેલમાં માત્ર 20 રન આપીને 5 વિકેટ લીધી હતી. વોલ્વાર્ડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
South Africa storm into the #CWC25 final 👏🇿🇦 pic.twitter.com/hU9nEPIsJX
— ICC (@ICC) October 29, 2025
ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ 1 રનમાં પડી ગઈ
મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ પાસે જીતવા માટે 320 રનનો લક્ષ્યાંક હતો અને પીછો કરવાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મેરિઝાન કાપે પહેલી ઓવરના બીજા બોલે ઇંગ્લેન્ડની વિકેટકીપર-બેટ્સમેન એમી જોન્સને બોલ્ડ કરી હતી. મેરિઝાને પ્રથમ ઓવરના પાંચમા બોલે હીથર નાઈટને પણ આઉટ કરી હતી. અયાબાંગા ખાકાએ આગામી ઓવરના પહેલા બોલે ટેમી બ્યુમોન્ટને આઉટ કરીને ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ લીધી હતી. આમ ઇંગ્લેન્ડે 1 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, ટોચના ત્રણ બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા.
નતાલી અને કેપ્સી વચ્ચે સદીની ભાગીદારી
1 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન નતાલી સાયવર અને એલિસ કેપ્સી વચ્ચે સદીની ભાગીદારીએ ઇંગ્લેન્ડની ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી. બંનેએ ચોથી વિકેટ માટે 107 રન ઉમેર્યા હતા. આ ભાગીદારી સુન લુસે તોડી હતી. તેણે કેપ્સીને આઉટ કરી હતી. કેપ્સીએ 71 બોલમાં 50 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન નતાલી પેવેલિયન પરત ફરી હતી. તેણે 76 બોલમાં 1 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. તેણીને મેરિઝાન કેપે આઉટ કરી હતી.
નતાલી મેરિઝાન કેપે 31મી ઓવરમાં મેચની પોતાની પાંચમી વિકેટ લીધી. તેણીએ તેના 7 ઓવરના સ્પેલમાં માત્ર 20 રન આપીને 5 વિકેટ લીધી હતી. લિન્સે સ્મિથે અંતમાં કેટલાક સારા શોટ રમ્યા અને 27 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ ઈંગ્લેન્ડની 10મી વિકેટ હતી, જે 43મી ઓવરમાં ગુમાવી હતી. ઈંગ્લેન્ડ 194 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં 125 રનના મોટા માર્જિનથી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
વોલ્વાર્ડે ઐતિહાસિક ઇનિંગ રમી, દક્ષિણ આફ્રિકાએ 319 રન બનાવ્યા
દક્ષિણ આફ્રિકા માટે કેપ્ટન લૌરા વોલ્વાર્ડ અને તાઝમિન બ્રિટ્સે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી (116) કરી. સોફી એક્લેસ્ટોને 23મી ઓવરમાં આ ભાગીદારી તોડી હતી. બ્રિટ્સ 45 રન કરીને આઉટ થઈ હતી. સોફીએ એની બોશને પણ બોલ્ડ કરી હતી. ત્યારબાદ કેપ્ટન લૌરાએ મેરિઝાન કેપ સાથે ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. લૌરા વોલ્વાર્ડે 169 રનની ઐતિહાસિક ઇનિંગ રમી અને આઉટ હતી. આ તેની 10મી વન-ડે સદી અને વર્લ્ડ કપમાં તેની પહેલી સદી હતી. ઇંગ્લેન્ડ માટે સોફી એક્લેસ્ટોને 10 ઓવરના સ્પેલમાં 44 રન આપીને 4 વિકેટ લીધી. લોરેને 10 ઓવરમાં 55 રન આપીને 2 વિકેટ લીધી હતી. કેપ્ટન નતાલી સિવરે એક વિકેટ ઝડપી હતી.
દક્ષિણ આફ્રિકાએ બદલો લીધો
દક્ષિણ આફ્રિકાએ પણ ગત વર્લ્ડકપનો બદલો લીધો હતો. ગયા વર્લ્ડ કપ (2022) માં, ઇંગ્લેન્ડે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. લૌરા વોલ્વાર્ડ તે સેમિફાઇનલમાં પોતાનું ખાતું ખોલી શકી ન હતી. તે મેચમાં મેરિઝાન કેપ પણ હતી, તેણે 21 રન બનાવ્યા અને 2 વિકેટ લીધી હતી.




















