SA vs WI: વેસ્ટ ઈન્ડિઝની હાર, દક્ષિણ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ભારતને પણ રાહત
SA vs WI Highlights: દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને 9 વિકેટથી હરાવ્યું. આ જીતથી દક્ષિણ આફ્રિકાનું સેમિફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે.

SA vs WI Highlights: દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટથી હરાવ્યું છે. એડન માર્કરમે કેરેબિયન બોલરોને બરાબરના ફટકાર્યા અને 82 રનની દમદાર અને ઐતિહાસિક ઇનિંગ રમી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં પોતાની જગ્યા લગભગ પાકી કરી લીધી છે. આફ્રિકાની આ જીત ટીમ ઈન્ડિયા માટે પણ ફાયદાકારક છે.
Aiden Markram's dominant knock of 82* powered South Africa to a big win over the West Indies👊
He wins the @aramco POTM🏅
📝: https://t.co/7sIwZ3AL3T pic.twitter.com/c49fODQP4H— ICC (@ICC) February 26, 2026
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ પહેલા બેટિંગ કરવા આવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે 83 રનના સ્કોર સુધી 7 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ જેસન હોલ્ડરે 49 રન અને રોમારિયો શેફર્ડે 52 રનની ઇનિંગ રમી હતી. હોલ્ડર અને શેફર્ડે 89 રનની ભાગીદારી કરીને વેસ્ટ ઈન્ડિઝને 176 રન સુધી પહોંચાડ્યું હતું.
એડન માર્કરમનો જલવો
177 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાને ક્વિન્ટન ડી કોક અને એડન માર્કરમે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ 8 ઓવરમાં જ 95 રન જોડીને વેસ્ટ ઈન્ડિઝના બોલિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી. ડી કોકે 24 બોલમાં 47 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન માર્કરમ 82 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ ઇનિંગમાં તેમણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
તેમના સિવાય રાયન રિકલ્ટન 45 રન બનાવીને અણનમ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આજે સાંજે ભારત જો ઝિમ્બાબ્વેને હરાવી દેશે તો દક્ષિણ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચી જશે. એડન માર્કરમના તોફાન પહેલા બોલિંગમાં લુંગી એનગિડીએ 3 વિકેટ ઝડપીને કેરેબિયન બેટિંગને વેરવિખેર કરી દીધી હતી. જ્યારે કગીસો રબાડા અને કોર્બિન બોશે બે-બે વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગની સ્થિતિ
પ્રથમ બેટિંગ માટે ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે ત્રીજી ઓવરમાં 29 રન પર પ્રથમ વિકેટ શાઈ હોપ (16) ના રૂપમાં ગુમાવી દીધી હતી. ત્યારબાદ આ જ ઓવરના પાંચમા બોલે વેસ્ટ ઈન્ડિઝને બીજો ઝટકો શિમરોન હેટમાયર (02) ના રૂપમાં લાગ્યો હતો. આ રીતે ટીમ ધીરે ધીરે વિકેટો ગુમાવતી રહી.
એક સમયે ટીમનો સ્કોર 83 રન પર 7 વિકેટ થઈ ગયો હતો. અહીંથી એવું લાગવા માંડ્યું કે વેસ્ટ ઈન્ડિઝ માટે 120 રનના ટોટલ સુધી પહોંચવું પણ મુશ્કેલ હશે. પરંતુ, જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડની આઠમી વિકેટની જોડીએ વેસ્ટ ઈન્ડિઝને શાનદાર ટોટલ સુધી પહોંચાડી દીધું હતું.
ભારતને રાહત
દક્ષિણ આફ્રિકાની 9 વિકેટની જીતથી ભારતીય ટીમને પણ રાહત મળી છે, કારણ કે પહેલાની સરખામણીમાં હવે તેની સેમીફાઈનલની રાહ ઘણી હદ સુધી સરળ થઈ ગઈ છે. હવે ભારતને સેમીફાઈનલમાં જવું હોય તો માત્ર તેની આગામી બંને મેચ જીતવી પડશે.




















