Sunil Gavaskar Reply To Nasser Hussain: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની સફર સમાપ્ત થઈ ગઈ છે. પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારત સામેની હાર બાદ પાકિસ્તાનના કોચ આકિબ જાવેદે એક વિચિત્ર નિવેદન આપ્યું હતું. આકિબ જાવેદે કહ્યું હતું કે ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે. તેથી, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને તે જ મેદાન પર રમવાનો ફાયદો મળી રહ્યો છે. હવે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈન અને માઈકલ આથર્ટન આકિબ જાવેદના સૂરમાં સૂર મેળવ્યો છે.
'તમને ભારતીય ક્રિકેટના કારણે પગાર મળી રહ્યો છે...',
હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આકિબ જાવેદ અને નાસીર હુસૈન અને માઈકલ આથર્ટનને જડબાતોડ જવાબ આપ્યો છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે આ લોકોએ રડવાને બદલે પોતાની ટીમના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ લોકો બુદ્ધિશાળી અને અનુભવી લોકો છે. તમે તમારી ટીમના પ્રદર્શન પર કેમ ધ્યાન કેન્દ્રિત કેમ નથી કરતા? તમારે તપાસ કરવી જોઈએ કે તમારી ટીમ શા માટે ક્વોલિફાય થઈ શકી નહીં. તેમણે કહ્યું કે વિશ્વ ક્રિકેટમાં ભારતનું મોટું યોગદાન છે. તમારો પગાર ભારતના રેવન્યૂ પર આધાર રાખે છે. ભારત વિશ્વ ક્રિકેટ માટે મોટી માત્રામાં રેવન્યૂ ઉત્પન્ન કરે છે.
ભારત પોતાની છેલ્લી લીગ સ્ટેજ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે. લગભગ 29 વર્ષ પછી, પાકિસ્તાનને કોઈપણ ICC ટુર્નામેન્ટના યજમાન અધિકારો મળ્યા, પરંતુ ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નહીં. જે બાદ ભારતીય ટીમ હાઇબ્રિડ મોડેલ હેઠળ દુબઈમાં તેની મેચ રમી રહી છે. અત્યાર સુધી રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવ્યા છે. ભારત પોતાની છેલ્લી લીગ સ્ટેજ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 2 માર્ચે એકબીજા સામે ટકરાશે. નોંધનિય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ પહેલાથી જ સેમી ફાઈનલમાં પહોંચી ગયા છે.
આ પણ વાંચો...