15મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂકેલા સુરેશ રૈનાએ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને એક પૉસ્ટ કરી છે. આ વીડિયોમાં રૈનાએ કહ્યું કે, મને આપણી સરકાર અને નેતાઓ પર પુરો વિશ્વાસ છે, જે તને ન્યાય અપાવવામાં કોઇ કસર નહીં છોડે.
રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે- ભાઇ તુ અમારા દિલમાં હંમેશા જીવતો રહીશ. તારા ફેન્સ તને સૌથી વધુ યાદ કરી રહ્યાં છે. મને અમારી સરકાર અને નેતાઓ પર પુરેપુરો વિશ્વાસ છે, જે તને ન્યાય અપાવવામાં કોઇ કસર નહીં છોડે. તુ એક સાચી પ્રેરણા છો #JustiseSSR’’
નોંધનીય છે કે, ઇન્સ્ટા પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં એક ટેબલેટ પર સુશાંત સિંહ રાજપૂતની એક તસવીર લાગેલી છે, અને બેક ગ્રાઉન્ડમાં સુશાંત સિંહની ફિલ્મ કેદારનાથનુ ગીત જા નિસાર વાગી રહ્યું છે. સુરેશ રૈના આજકાલ આઇપીએલ માટે દુબઇમાં છે.
રૈનાની ક્રિકેટ કેરિયર....
33 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.
રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.