નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ સોમવારે વન ડે, ટી-20 અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમ ફેબ્રુઆરીમાં અંતિમ ઈન્ટરનેશલ મેચ રમ્યું હતુ. જે બાદ કોરોના મહામારીના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રવાસ રદ્દ કરીને સ્વદેશ પરત ફરી હતી. આ પછી ભારત એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યુ નથી. કોરોના કાળમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઈજાગ્રસ્ત રોહિત શર્માનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. રિષભ પંતને પણ વન ડે અને ટી-20 ટીમમાં સ્થાન મળ્યું નથી.


ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કુલ 32 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે સમગ્ર સીરિઝ દરમિયાન બાયો સિક્યોર બબલમાં રહેશે. વન ડે સીરિઝ સિડની અને કેનબરામાં રમાશે. જે બાદ ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરૂણ આજે યુએઈ જશે. તેમની સાથે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારી પણ જશે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જોડાતા પહેલા બાયો બબલમાં ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરી લેશે.

જોકે ભારતીય ટીમની જાહેરાત થઈ તેમાં મયંક અગ્રવાલનું નામ આશ્ચર્ય કરી મુકે એવું નામ છે. મયંક અગ્રવાલને ત્રણેય ફોર્મેટમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે આઈપીએલમાં કંઈ ખાસ પ્રદર્શન રહ્યું નથી. આઈપીએલની 13મી સીઝનમાં મયંક અગ્રવાલે અત્યાર સુધીમાં 10 મેચમાં 398 રન બનાવ્યા છે. જેમાં 1 સેન્ચુરી અને 2 હાફ સેન્ચુરી સામેલ છે.



મયંક અગ્રવાલની સમગ્ર આઈપીએલની કારકિર્દી પર નજર કરીએ તો તેણે અત્યાર સુધીમાં આઇપીએલમાં કુલ 87 મેચમાં 21.06ની સરેરાશથી 1664 રન બનાવ્યા છે. જેમાં 1 સેન્ચુરી અને 7 હાફ સેન્ચુરી સામેલ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો મયંક અગ્રવાલ અત્યાર સુધીમાં માત્ર 3 વનડે અને 11 ટેસ્ટ રમ્યો છે. જેમાં 3 વનડેમાં 36 રન અને 11 ટેસ્ટમાં 974 રન બનાવ્યા છે. 11 ટેકસ્ટમાં ત્રણ સેન્ચુરી, બે ડબલ સેન્ચુરી અને 4 હાફ સેન્ચુરી સામેલ છે.

સીસીઆઈના પસંદગીકર્તાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટીમ જાહેર કરી હતી. ભારત ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટી-20, ત્રણ વન ડે અને ચાર ટેસ્ટ મેચ રમશે.

વન ડે ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન અને વિકેટકિપર), શ્રેયર ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્દ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

T-20 ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર,મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચહર, વરુણ ચક્રવર્તી

ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે(વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટ કિપર), રિષભ પંત (વિકેટ કિપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સિરાઝ