Shubman Gill dropped: ક્રિકેટ જગતમાં હાલ સૌથી મોટી ચર્ચાનો વિષય ટી-20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માટેની ભારતીય ટીમની પસંદગી છે. આ ટીમમાં સૌથી મોટો ઝટકો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) ને લાગ્યો છે. થોડા સમય પહેલા સુધી ટીમનો ઉપ-કપ્તાન ગણાતો ગિલ હવે વર્લ્ડ કપની સ્ક્વોડનો ભાગ પણ નથી. ગિલને પડતો મુકવા પાછળનું કારણ તેનું ખરાબ ફોર્મ છે કે અન્ય કંઈ? આ સવાલનો જવાબ આપતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય ફોર્મ કરતા 'ટીમ કોમ્બિનેશન'ને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ટીમ જાહેર કરવામાં આવી છે, જેમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો લેવાયા છે. શુભમન ગિલ, જેને ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવતો હતો, તેને ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે અને તેના સ્થાને અક્ષર પટેલ (Axar Patel) ને ઉપ-કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. સ્વાભાવિક છે કે ચાહકોના મનમાં પ્રશ્ન થાય કે શું ગિલનું ખરાબ ફોર્મ જવાબદાર છે? પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનું ખંડન કર્યું હતું.
સૂર્યાએ કહ્યું- અમને ટોપ ઓર્ડરમાં વિકેટકીપર જોઈતો હતો
કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફોડ પાડતા જણાવ્યું કે, "શુભમન ગિલ (Shubman Gill) એક શાનદાર ખેલાડી છે અને તેની ક્ષમતા પર કોઈ શંકા નથી. તેને પડતો મુકવાનો નિર્ણય તેના ફોર્મના કારણે નથી લેવાયો, પરંતુ આ નિર્ણય ટીમની રચના (Team Composition) ને ધ્યાનમાં રાખીને લેવાયો છે. અમને ટોપ ઓર્ડરમાં એક વિકેટકીપર બેટ્સમેન (Wicketkeeper Batsman) ની જરૂર હતી." સૂર્યાએ વધુમાં ઉમેર્યું કે ટીમમાં રિંકુ સિંહ (Rinku Singh) અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને સમાવવા અને લવચીકતા (Flexibility) જાળવવા માટે આ કડક નિર્ણય લેવો પડ્યો છે. ટીમ મેનેજમેન્ટ પાસે ઘણા વિકલ્પો ખુલ્લા રાખવા જરૂરી હતા.
અજિત અગરકરે વાઈસ કેપ્ટન્સી પર શું કહ્યું?
બીજી તરફ, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર (Ajit Agarkar) એ ગિલની બાદબાકી અને અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવવા અંગે તર્ક આપ્યો હતો. તેમણે કહ્યું કે, "જ્યારે શુભમન ગિલ ટીમનો હિસ્સો જ નથી, ત્યારે સ્વાભાવિક છે કે અમારે કોઈ બીજાને વાઈસ કેપ્ટન બનાવવો પડે. અગાઉ જ્યારે ગિલ ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં વ્યસ્ત હતો ત્યારે અક્ષર પટેલે T20 માં આ જવાબદારી નિભાવી હતી. તેથી સાતત્ય જાળવવા માટે અમે અક્ષર પર પસંદગી ઉતારી છે." આ નિર્ણય કોઈ નવું સ્ટેટમેન્ટ આપવા માટે નહીં પણ ટીમની સ્થિરતા માટે લેવાયો છે.
ટી-20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય ટીમ (Indian Team): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah), હાર્દિક પંડ્યા, ઋષભ પંત/સંજુ સેમસન/ઈશાન કિશન (વિકેટકીપર્સ), તિલક વર્મા, અભિષેક શર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદર.