સૂર્યાનો કુલદીપને ખાસ સંદેશ: "ભાઈ, ગુસ્સો છોડી દો", વાયરલ રીલે ક્રિકેટ જગતમાં મચાવી ધૂમ
પાકિસ્તાન સામેની જીત બાદ સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ વચ્ચેના વિવાદનો અંત. સૂર્યાએ વાયરલ રીલ શેર કરી "ભાઈ, ગુસ્સો છોડી દો" કહીને અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.

Suryakumar Yadav Viral Reel: ટી 20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાએ 61 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ રમાયેલી આ મેચમાં જીતની સાથે જ ભારતે સુપર 8 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જોકે, આ ઐતિહાસિક મેચના અંતિમ ચરણમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવ વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થતા ચાહકો ચિંતામાં મુકાયા હતા. આ વિવાદ કુલદીપ દ્વારા છોડવામાં આવેલા એક કેચને કારણે સર્જાયો હતો, પરંતુ સૂર્યાએ સોશિયલ મીડિયા પર એક ખાસ રીલ શેર કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
કેચ છૂટતા જ મેદાન પર સર્જાયા તંગદિલીના દ્રશ્યો
મેચ દરમિયાન જ્યારે પાકિસ્તાની બેટ્સમેન ઉસ્માન તારિક બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે હાર્દિક પંડ્યાના બોલ પર કુલદીપ યાદવે બાઉન્ડ્રી લાઇન પર એક સરળ કેચ પડતો મૂક્યો હતો. આ નબળી ફિલ્ડિંગ જોઈને હાર્દિક પંડ્યા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહોતા. પાકિસ્તાનની છેલ્લી વિકેટ પડ્યા બાદ પણ સૂર્યા અને કુલદીપ વચ્ચે મેદાન પર બોલાચાલી થતી જોવા મળી હતી, જેનાથી મેદાન પર તણાવનું વાતાવરણ સર્જાયું હતું. યુવા ખેલાડી તિલક વર્મા પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ રહી ગયા હતા, જ્યારે રિંકુ સિંહે મધ્યસ્થી કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
Gussa chodh do bhai 😂 @imkuldeep18 pic.twitter.com/gZ8lnxeQ8o
— Surya Kumar Yadav (@surya_14kumar) February 16, 2026
સૂર્યાની વાયરલ રીલ: ડ્રેસિંગ રૂમની એકતાના દર્શન
મેદાન પરના આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચાહકો ભારતીય ટીમમાં જૂથવાદની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 16 ફેબ્રુઆરીની સાંજે એક મજેદાર રીલ શેર કરી છે. આ વીડિયોમાં સૂર્યા કુલદીપ યાદવ પાસે જઈને તેને વ્હાલથી ગળે લગાવતો જોવા મળે છે અને કેપ્શનમાં લખ્યું છે, "ભાઈ, તમારો ગુસ્સો છોડી દો." આ પોસ્ટ દ્વારા સૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે મેદાન પરની ગરમાગરમી માત્ર રમતનો એક ભાગ હતી અને ખેલાડીઓ વચ્ચે પરસ્પર પ્રેમ અને સન્માન અકબંધ છે.
ટીમ ઈન્ડિયાની હવે નેધરલેન્ડ્સ સામે ટક્કર
પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં 8 મી વખત વિજય પતાકા લહેરાવ્યા બાદ ભારતીય ટીમ હવે કોલંબોથી પરત ફરી છે. સુપર 8 માં ક્વોલિફાય થયા બાદ ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. ભારતીય ટીમની હવે પછીની ટક્કર નેધરલેન્ડ્સ સામે થવાની છે, જ્યાં કેપ્ટન સૂર્યા પોતાની વિજયી કૂચ જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.




















