આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યાની ઓવરમાં બાઉન્ડ્રી લાઇન પર સૂર્યકુમાર યાદવે પકડેલો કેચ મેચ વિનિંગ હતો. આ કેચની સૌ કોઇએ પ્રશંસા કરી હતી. ગુરુવારે જ્યારે ભારતીય ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ત્યારે તેઓ પણ સૂર્યકુમાર યાદવના કેચના વખાણ કરતા પોતાને રોકી શક્યા નહીં.
આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ સૂર્યકુમાર યાદવ સાથે તેના કેચ વિશે પણ વાત કરી હતી. વડાપ્રધાને હાર્દિક પંડ્યા સાથે વાત કરતા સૂર્યકુમાર યાદવના કેચનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાર્દિકને કહ્યું, "તે ઓવર (છેલ્લી ઓવર) તમારા માટે ઐતિહાસિક બની ગઈ. પરંતુ તમે સૂર્યાને શું કહ્યું?"
તેના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે "જ્યારે સૂર્યાએ કેચ પકડ્યો ત્યારે સૌ પ્રથમ ટીમે ઉજવણી કરી હતી. ત્યારે અમને લાગ્યું કે પહેલા સૂર્યાને પૂછવું જોઈએ કે સૂર્યા પરફેક્ટ છે કે નહીં. તો પહેલા અમને કન્ફર્મેશન મળ્યું ને અમે ઉજવણી શરૂ કરી હતી.
પીએમ મોદીએ સૂર્યકુમારને આ કેચ વિશે પૂછ્યું જેના જવાબમાં સૂર્યકુમાર યાદવે કહ્યું, “સર, તે સમયે એક જ વિચાર હતો કે હું ગમે કરીને બોલ પકડું. મેં પહેલાં વિચાર્યું ન હતું કે હું કેચ પકડીશ કે નહીં. વિચાર એવો હતો કે હું બોલને અંદરની તરફ ધકેલી દઇશ. રોહિત ભાઇ તે સમયે ખૂબ દૂર હતા. જેથી મે બોલને ઉપરથી તરફ ઉછાળ્યો હતો અને બાદમાં કેચ કરી લીધો હતો. અમે આ બાબતની ઘણી પ્રેક્ટિસ કરી છે.
આ પછી સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે " ટૂર્નામેન્ટની શરૂઆતથી લઇને આઇપીએલ પછી મે અનેક વખત આ પ્રકારના કેચની પ્રેક્ટિસ કરી છે. પરંતુ મને ખબર નહોતી કે ભગવાન આવી તક આપશે.
આ પછી પીએમ મોદીએ કહ્યું, "હું તમને કહી દઉં કે હું તમારી પ્રશંસા કર્યા વિના રહી શકતો નથી. કારણ કે આ ઘટના તમારી લાઇફ સાથે જોડાઇ ગઇ છે. ત્યારે સૂર્યાએ કહ્યું હતું કે “સર, વધુ એક સ્ટાર ઉમેરાઇ ગયો છે જેથી સારુ લાગે છે.