Mens T20 World Cup 2026: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 96 રનથી કરારી હાર આપી હતી. ભારત માટે આ T20 વર્લ્ડ કપનો ત્રીજો ખિતાબ રહ્યો. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના ત્રણ ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

 

આ જીત પછી સૂર્યકુમાર યાદવે ખૂબ જ રસપ્રદ નિવેદન આપતા ટીમના ઘણા ખેલાડીઓને શ્રેય આપ્યો હતો. આ સિવાય સૂર્યાએ પોતાના વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે કેવી રીતે મેનેજમેન્ટે કેપ્ટનશીપ માટે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય કેપ્ટને ખેલાડીઓ વિશે કહ્યું કે તમારે એ સમજવાની જરૂર છે કે તેઓ કેટલા કાબેલ છે.

મારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં વાત કરતા સૂર્યાએ કહ્યું, "આમાં થોડો સમય લાગશે. જે પણ થયું છે તેનાથી હું ખૂબ ખુશ છું. આ એક લાંબી સફર રહી છે. તેની શરૂઆત 2024 પછી થઈ જ્યારે BCCI ના તત્કાલીન સચિવ જય ભાઈએ મારા પર વિશ્વાસ મૂક્યો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવીને પરફોર્મ કરવું એ એક ખાસ અહેસાસ છે. છેલ્લા બે વર્ષમાં અમે સારું ક્રિકેટ રમ્યા અને બધું બરાબર ચાલી રહ્યું હતું. હું 2024 વર્લ્ડ કપમાંથી શીખેલી સારી ટેવોને અપનાવવા માંગતો હતો."

ખેલાડીઓ વિશે શું બોલ્યો સુર્ય કુમાર

આગળ વાત કરતા સૂર્યાએ કહ્યું, "તેમની કાબેલિયતને સમજવી અત્યંત જરૂરી છે. સંજુના આવવાનો સમય બિલકુલ સાચો હતો. વરુણ, અભિષેક- દુનિયાના નંબર 1 ખેલાડી છે. સાથે જ બુમરાહ, હાર્દિક અને અક્ષર- આ બધા લાંબા સમયથી ટીમનો હિસ્સો છે. જેવું કે સંજુએ ગત મેચમાં કહ્યું હતું કે તે (જસપ્રિત બુમરાહ) પેઢીમાં એકવાર આવતો બોલર છે. હું તેમને રાષ્ટ્રીય ધરોહર (National Treasure) કહી શકું છું. તેને ખબર છે કે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે." તમને જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહે ફાઈનલમાં 4 વિકેટ લીધી હતી અને તેના ઉત્તમ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.